ઇન્ટરનેશનલસ્પોર્ટસ

આ તે કેવું સ્ટંટ! હરીફ ટીમની યોજના ખોરવી નાખવા ફૂટબૉલ ટીમે જુઓ કોને મેદાન પર ઉતાર્યો?

બ્વેનોઝ એર્સ (આર્જેન્ટિના): દરેક ટીમ મૅચ પહેલાં હરીફોની યોજના ખોરવી નાખવા કે મૅચ દરમ્યાન તેમને ઊંઘતા ઝડપી લેવા નિયમ કે નૈતિકતાને ધ્યાનમાં રાખીને કોઈને કોઈ તરકીબ અજમાવતા હોય છે, પરંતુ સોમવારે આર્જેન્ટિનામાં એક ટોચની ક્લબની ટીમે એક ટૂર્નામેન્ટની લીગ મૅચમાં ચોંકાવનારું પગલું ભર્યું હતું. આ ટીમે સોશિયલ મીડિયાના એક ઇન્ફ્લૂયન્સરને થોડી વાર માટે રમવા મેદાન પર ઊતાર્યો હતો જેનાથી હરીફો ચોંકી ગયા હતા. હકીકતમાં આ ઇન્ફ્લૂયન્સર માટે આ મૅચ ડેબ્યૂ મૅચ તેમ જ ફેરવેલ મૅચ બની ગઈ હતી.


આ પણ વાંચો : પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર સિટીની સતત ચોથી હાર: શાસનનો અંત નજીક?


ઇવાન બુહાયેરુક નામનો આ ઇન્ફ્લૂયન્સર આર્જેન્ટિનામાં ખૂબ લોકપ્રિય છે. તે સ્પ્રીન’ તરીકે જાણીતો છે અને યૂટ્યૂબ પર તેના 80 લાખ સબસ્ક્રાઇબર્સ છે તથા ઇન્સ્ટાગ્રામ પર તેના 50 લાખ ફૉલોઅર્સ છે. ડેપોર્ટિવો રિસ્ટ્રા નામની સૉકર ક્લબની ટીમે તેને બે મહિના પહેલાં સાઇન કર્યો હતો અને હજી મંગળવારે તેને પ્રૅક્ટિસ માટે મેદાન પર બોલાવ્યો હતો. આ ક્લબની ટીમે મૅચના દિવસે આર્જેન્ટિનાની લીગ ટૂર્નામેન્ટની મોખરાની ટીમ વેલેઝ સાર્સફીલ્ડનો પ્લાન ખોરવી નાખવા એ ટીમ સામે ઇવાનને એક મિનિટથી પણ ઓછા સમય માટે (ગણતરીની સેકન્ડ માટે) મેદાન પર રમવા મોકલ્યો હતો. ઇવાન બૉલને અડ્યો પણ નહોતો ત્યાં તેને પાછો બોલાવી લેવામાં આવ્યો હતો. જોકે તેને મેદાન પર મોકલવામાં આવ્યો ત્યારે હરીફ પ્લેયર્સ તેને જોઈને નવાઈ પામ્યા હતા, કારણકે તેના વિશે અગાઉ કોઈએ કંઈ જ સાંભળ્યું નહોતું. હકીકતમાં તે મીડિયા ઇન્ફ્લૂયન્સર હોવાથી સૉકરજગતમાં ખેલાડી તરીકે બધા માટે અજાણ હતો. ડેપોર્ટિવો ક્લબની ટીમના અધિકારીઓએ આ સ્ટંટની તરફેણ કરી હતી, જ્યારે ટીમના ઘણા ખેલાડીઓ આ અખતરા માટે તેમની સાથે સંમત નહોતા. આ મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી અને એમાં વેલેઝ ટીમ વતી એકમાત્ર ગોલ કરનાર રૉમેરોએ પત્રકારોને કહ્યું હતું કેઆ મૅચમાં જે કંઈ બની ગયું એ ફૂટબૉલની મહાન રમતનું અપમાન કહેવાય. આવું કરવાથી ફૂટબૉલ જગતને, સમગ્ર સમાજને તેમ જ સૉકરમાં કરીઅર બનાવવા અથાક પરિશ્રમ કરતા યુવા વર્ગને ખોટો સંદેશ ગયો કહેવાય.

ડેપોર્ટિવો ટીમ વતી ટૉરસે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો. આ ટીમના કૅપ્ટન મિલ્ટન સેલિઝે પત્રકારોને કહ્યું, મીડિયા ઇન્ફ્લૂયન્સરને રમવા મોકલવાનો વિચાર અમારી ફૂટબૉલ ક્લબના તેમ જ એનર્જી ડ્રિન્ક સ્પૉન્સર કંપનીના માલિક વિક્ટર સ્ટિન્ફેલનો હતો. ઇન્ફ્લૂયન્સર તરીકે ઇવાન નંબર-વન છે. તેમણે ઇવાનને તેમ જ ટીમના કોચ ક્રિસ્ટિયાન ફૅબિયાનીને એકસાથે સાઇન કર્યા હતા.’ કોચ ફૅબિયાનીએ પત્રકારોને કહ્યું,મેં હરીફ ટીમના કોચને પહેલેથી જ અમારા આ પગલાં બાબતમાં (ઇન્ફ્લૂયન્સરને રમાડવા બાબતમાં) અગાઉથી જાણ કરી દીધી હતી કે ક્લબ સાથે કૉન્ટ્રૅક્ટ બદલ અમે ઇવાનને આ મૅચમાં રમાડવાના છીએ. અમારી ક્લબ પબ્લિસિટી પર ઘણો મદાર રાખતી હોય છે. ખરું કહું તો ઇવાન માટે આ ડેબ્યૂ તેમ જ ફેરવેલ મૅચ હતી.


આ પણ વાંચો : મેજર લીગમાં બહુચર્ચિત મેસી અને માયામી ટીમનું શું પરિણામ આવ્યું જાણો છો?


લીગ ટૂર્નામેન્ટમાં વેલેઝ ટીમ 43 પૉઇન્ટ સાથે મોખરે છે અને ડેપોર્ટિવો ટીમ છેક નવમા નંબરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button