ગાઝામાં હોસ્પિટલ પર હુમલા બાદ આરબ નેતાઓએ જો બાઈડેન સાથે બેઠક રદ્દ કરી, મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગઈ કાલે મંગળવારે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં આવેલી અલ-અહલી અરબ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલો, ડોક્ટર્સ અને નર્સ સહીત 500થી વધુ લોકોના મોત થયા હતા. ઇઝરાયેલી સેના મંગળવારે યુએન દ્વારા સંચાલિત શાળા પર પણ હુમલો કર્યો હતો જ્યાં યુદ્ધને કારણે વિસ્થાપિત થયેલા લોકો શરણ લઇ રહ્યા હતા. ઇઝરાયલના આ હુમલાઓની આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્તરે ટીકા થઇ રહી છે, ત્યારે આરબ દેશના નેતાઓની જોર્ડનના અમ્માનમાં થનારી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથેની બેઠક રદ કરી છે. હવે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી શકે છે.
જોર્ડનના વિદેશ પ્રધાન અયમાન સફાદીએ જાહેરાત કરી કે બુધવારે અમ્માનમાં જોર્ડનના કિંગ અબ્દુલ્લા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની યુએસ પ્રમુખ બિડેન સાથેની શિખર બેઠક રદ કરવામાં આવી છે.
ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ પર ઘાતક હુમલાને કારણે સેંકડો લોકોના મોત થયા હતા. હમાસ અને ઈઝરાયલ આ હુમલા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, ઇજિપ્ત, જોર્ડન અને તુર્કીએ આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠરાવતા કડક શબ્દોમાં ટીકા કરી હતી. યુએન અને ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓએ પણ આ હુમલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. જોકે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હુમલા માટે હમાસને જવાબદાર ઠેરવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ પર થયેલા હુમલાને જો બાઈડેને અમાનવીય ગણાવ્યો હતો અને નાગરીકોના મૃત્યું અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું, પરતું તેમણે આ માટે ઇઝરાયલને જવાદાર ઠેરવ્યું ન હતું. ઇઝરાયલ માટે સમર્થન અને એકતા વ્યક્ત કરવા જો બાઈડેન આજે બુધવારે તેલ અવીવ પહોંચવાના છે.