આ દેશમાં Apple ને 1388 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, જાણો શું છે મામલો…

પેરીસ: દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલને ફ્રાન્સમાં મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાંસની એન્ટિટ્રસ્ટ ઓથોરીટીએ એપલ પર 15 કરોડ યુરોનો દંડ (Apple fined in France) ફટકાર્યો છે, આ દંડની કિંમત ભારતીય રૂપિયામાં 1388 કરોડ થાય છે. એપ ટ્રેકિંગ પ્રાઈવસી ફીચરના મામલે સોમવારે ફ્રાંસની એન્ટિટ્રસ્ટ ઓથોરીટીએ આ દંડ ફટકાર્યો છે. આ ફીચર અન્ય ઘણા યુરોપિયન દેશોમાં પણ તપાસ હેઠળ છે.
એપ્રિલ, 2021 અને જુલાઈ, 2023 વચ્ચે iOS અને iPad ડિવાઈસીસ માટે મોબાઇલ એપ્લિકેશન ડીસ્ટ્રીબ્યુશનમાં દબદબાનો દુરુપયોગ કરવા બદલ ઓથોરીટીએ એપલ પર દંડ લગાવ્યો. ઓથોરીટીએ જણાવ્યું કે જે રીતે કંપનીએ તેના એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સી (ATT) સોફ્ટવેરને અમલમાં મુક્યો છે, તે યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવાના કંપનીના જણાવેલા ટાર્ગેટને અનુરૂપ ન હતું. ઓથોરીટીએ થર્ડ પાર્ટી પબ્લીશર્સને પણ દંડ ફટકાર્યો. દંડ ઉપરાંત, એપલે સાત દિવસ સુધી વેબસાઇટ પર આ આદેશ પબ્લીશ કરવો પડશે.
જર્મની, ઇટાલી, રોમાનિયા અને પોલેન્ડના અધિકારીઓએ ATT અંગે એપલ સામે તપાસ શરૂ કરી છે. એપલે એક નિવેદનમાં જણાવ્યું કે “આજના નિર્ણયથી અમે નિરાશ છીએ, ફ્રેન્ચ કોમ્પિટિશન ઓથોરિટીએ ATTમાં કોઈ ચોક્કસ ફેરફારો સૂચવ્યા નથી.”
શું છે મામલો?
એપલે વર્ષ 2021 માં આ ફીચર રજુ કર્યું હતું. જે મુજબ એપ્લિકેશનો અને વેબસાઇટ્સ પર એક્ટીવીટીને ટ્રેક કરતા પહેલા એપ્લિકેશનોએ પોપ-અપ વિન્ડો દ્વારા યુઝર્સની સંમતિ મેળવવાની જરૂર છે. જો યુઝર ડીક્લાઇન કરે છે, તો એપ્લિકેશન તે યુઝર્સની માહિતીનું ઍક્સેસ ગુમાવે છે. એપલ પર આરોપ લગાવવામાં આવ્યો કે તે આ સિસ્ટમનો ઉપયોગ પોતાની એડ સર્વિસને પ્રમોટ કરવા માટે કરે છે જ્યારે સ્પર્ધકોને રીસ્ટ્રીકટ કરે છે.
આપણ વાંચો: ભારતમાં ખુલશે Apple ના ફ્લેગશિપ સ્ટોર, મેઇડ ઇન ઈન્ડિયા હશે iPhone 16 Pro…
હરીફો અને ઓનલાઈન એડ પર આધાર રાખતી કંપનીઓ દ્વારા એપલની ટીકા કરવામાં આવી હતી. એપલ સામે કેટલાક ઓનલાઈન એડવેટાઈઝર્સ અને ઈન્ટરનેટ નેટવર્ક્સએ કેસ દાખલ કર્યો હતો. જેમાં એપલ પર તેના માર્કેટ પાવરનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.