Appleના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝનિયાકની સ્ટીવ વોઝનિયાકને સ્ટ્રોક બાદ હોસ્પિટલમાં દાખલ
વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપની એપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝનિયાકની તબિયત અચાનક લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે મેક્સિકો સિટીમાં તેમની તબિયત અચાનક બગડી હતી. અહેવાલ મુજબ, સ્ટ્રોક બાદ તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ટીવ જોબ્સ સાથે મળીને તેમણે વર્ષ 1976માં એક ગેરેજમાં એપલ કંપની શરૂ કરી હતી.
એપલના કો-ફાઉન્ડર 73 વર્ષીય સ્ટીવ વોઝનિયાક મેક્સિકોની રાજધાનીના સેંટા ફેમાં વર્લ્ડ બિઝનેસ ફોરમ ઇવેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા. સ્થાનિક સમય અનુસાર, તેઓ આ મંચમાં 4.20 મિનિટે ભાષણ આપવાના હતા, પરંતુ તેમની તબિયત ખરાબ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વર્ષ 1976 માં વોઝનિયાકે મિત્ર સ્ટીવ જોબ્સ સાથે મળીને એપલ કોમ્પ્યુટર્સની શરૂઆત કરી. વોઝનિયાકે એપલ I અને Apple II કમ્પ્યુટર બનાવ્યા હતા, જે કંપનીના શરૂઆતના સફળ પર્સનલ કોમ્પ્યુટર હતા. 1987 માં તેઓ એપલથી અલગ થઈ ગયા અને વ્હીલ્સ ઓફ ઝિયસની સ્થાપના કરી. આ કંપની શૈક્ષણિક સોફ્ટવેર વિકસાવે છે. આ સિવાય તેમણે ઘણી યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપન કર્યું છે. સ્ટીવ વોઝનિયાકને કોમ્પ્યુટર ઉદ્યોગમાં તેમના યોગદાન માટે ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. તેઓ નેશનલ ઈન્વેન્ટર્સ હોલ ઓફ ફેમ અને કેલિફોર્નિયા હોલ ઓફ ફેમના સભ્ય પણ છે.
તેમણે સ્થાપેલી Apple કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન નવેમ્બર 2023 મુજબ લગભગ $2.859 ટ્રિલિયન છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ તે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની છે.