અમેરિકામાં સરકાર વિરુદ્ધ જુવાળ! તમામ 50 રાજ્યોમાં ટ્રમ્પ-મસ્ક વિરોધી રેલીઓ નીકળી

વોશિંગ્ટન: બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ આમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (US president Donald Trump) એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે. વિશ્વનાં ઘણા દેશો ટ્રમ્પની કાર્યપદ્ધતિથી નારાજ છે. અમેરિકામાં પણ ઘણા લોકો ટ્રમ્પ સામે રોષ ઠાલવી રહ્યા છે. શનિવારે અમેરિકાના ઘણા શહેરોમાં મોટી સંખ્યામાં લોકોએ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વિરુદ્ધ દેખાવો (Protest in USA against Trump-Musk) કર્યા હતાં. લોકોએ રેલીઓ કાઢીને ટ્રમ્પના નેતૃત્વનો વિરોધ કર્યો. ટ્રમ્પના પદ સંભાળ્યા બાદ આ સોથી મોટા દેખાવો હતાં.
અહેવાલ મુજબ યુએસના તમામ 50 રાજ્યોમાં 1,200થી વધુ સ્થળોએ ‘હેન્ડ્સ ઓફ!’ રેલીઓ યોજાઈ હતી. જેને નાગરિક અધિકાર જૂથો, મજૂર સંગઠનો, LGBTQ અધિકારના સમર્થકો, નિવૃત્ત સૈનિકો અને ચૂંટણી સુધારણા કાર્યકરો સહિત 150 થી વધુ સંગઠનોએ ટેકો આપ્યો હતો. તમામ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યા તારા, કોઈની ધરપકડના અહેવાલો નથી.
યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ મોલ અને મિડટાઉન મેનહટનથી માંડીને બોસ્ટન કોમન અને વિવિધ રાજ્યની રાજધાનીમાં હજારો વિરોધીઓ એકઠા થયા હતા. લોકોએ સરકારી કર્મચારીઓની છંટણી, ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર, અર્થતંત્રએ લગતા નિર્ણયો અને માનવ અધિકારો જેવા મુદ્દાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કની ટીકા કરી હતી.
આ પણ વાંચો: ટેરિફ મુદ્દે ચીન-અમેરિકા આમને સામનેઃ અમેરિકાના સામાન પર ‘ડ્રેગન’ વસૂલશે 34 ટકા ટેરિફ…
વિવિધ રાજ્યોમાં પ્રદર્શન:
સિએટલમાં જાણીતા સ્પેસ નીડલ પાસે, પ્રદર્શનકારીઓએ “અધિપતિશાહી સામે લડાઈ” (Fight the oligarchy) જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ પકડી રાખ્યા હતા.
નેશનલ મોલ ખાતે યોજાયેલી રેલીમાં, માનવ અધિકાર અભિયાનના પ્રમુખ કેલી રોબિન્સને LGBTQ સમુદાય સાથે ટ્રમ્પ વહીવટીતંત્રના વર્તનની ટીકા કરી હતી. કોંગ્રેસના ઘણા ડેમોક્રેટિક સભ્યોએ પણ રેલીઓને સંબોધિત કરી હતી.
આ પણ વાંચો: ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર કકડભૂસ, ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણયનો બચાવ કરીને વ્યક્ત કર્યો આ આશાવાદ…
બોસ્ટનમાં પ્રદર્શનકારીઓએ “આપણી લોકશાહીને હાથ ના લગાડો” અને “આપણી સામાજિક સુરક્ષા સાથે છેડછાડના કરો” જેવા બેનરો લહેરાવ્યા હતા. મેયર મિશેલ વુએ કહ્યું કે તેઓ નથી ઇચ્છતા કે તેમના બાળકો કે અન્ય લોકો એવી દુનિયામાં મોટા થાય જ્યાં સરકાર ધાકધમકીનો ઉપયોગ કરે છે, અને જ્યાં વિવિધતા અને સમાનતા જેવા મૂલ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારની સવાર ફ્લોરિડાના જ્યુપિટરમાં સિનિયર ક્લબ ચેમ્પિયનશિપમાં વિતાવી હતી, ત્યારે સેંકડો પ્રદર્શનકારીઓએ પામ બીચ ગાર્ડન્સમાં એકઠા થયા. લોકોએ રોડની બંને બાજુએ લાઈન લગાવી હતી, ટ્રમ્પ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.