ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, 25 દિવસમાં આઠ લોકો ગુમાવ્યા જીવ

ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ હિન્દુ યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. છેલ્લા 25 દિવસમાં હિન્દુઓની હત્યાની આ 8મી ઘટના છે, જે દર્શાવે છે કે ત્યાં લઘુમતીઓની સુરક્ષા ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. આ ઘટનાએ બાંગ્લાદેશમાં વસતા હિન્દુ પરિવારોમાં ભારે ડર અને રોષનો માહોલ પેદા કર્યો છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે આ ઘટના ફેગુઆના દાગનભુઆ વિસ્તારની છે, જ્યાં 28 વર્ષીય સમીર દાસ નામના યુવકને નિશાન બનાવવામાં આવ્યો હતો. સમીર બેટરી રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે રાત્રે જ્યારે તે ઘરે ન પહોંચ્યો ત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્રે તેનો લોહીલુહાણ દેહ દક્ષિણ કરીમપુર વિસ્તારમાંથી મળી આવ્યો હતો. હુમલાખોરો સમીરને ઢોર માર મારી તેની રિક્ષા લૂંટીને ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, સમીર કુમાર દાસની હત્યા 11 જાન્યુઆરીની સાંજે કરવામાં આવી હતી. થાણા પ્રભારી ફૈયાઝુલ અઝીમ નોમાનના કહેવા પ્રમાણે, આ હત્યા પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોવાની પણ શક્યતા છે. પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હાલમાં આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફેની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસ લૂંટ સિવાયના અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.

સમીર દાસ તેના પરિવારનો મોટો પુત્ર હતો અને આખા ઘરની જવાબદારી તેના પર હતી. કાર્તિક કુમાર દાસ અને રીના રાણી દાસના પુત્ર સમીરની હત્યાથી તેના માતા-પિતા અને પત્ની-બાળકો પર આભ તૂટી પડ્યું છે. સામાન્ય રીતે શાંત ગણાતા રામાનંદપુર ગામમાં આ ઘટનાને પગલે લોકોમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. એક તરફ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે, તો બીજી તરફ લઘુમતી સમુદાયના લોકો પોતાની જિંદગીને લઈને અસુરક્ષિત અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓ વિરુદ્ધ હિંસા, ધમકીઓ અને અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. ન્યાય મળવામાં થતા વિલંબને કારણે ગુનેગારો બેફામ બન્યા છે, જેના કારણે લઘુમતી સમુદાયમાં અવિશ્વાસ અને ભયની લાગણી ઊંડી થઈ રહી છે.

આ પણ વાંચો…બાંગ્લાદેશમાં હિંદુની સુરક્ષા ખતરામાં! સુનામગંજ જિલ્લામાં વધુ હિંદુની હત્યા, પહેલા ઢોર માર માર્યો અને ઝેર આપ્યું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button