પૂર્વ પ્રશાંત મહાસાગરમાં અમેરિકી નૌકાદળનો આક્રમક ડ્રગ્સ વિરોધી હુમલો: 3નાં મોત

પૂર્વ પ્રશાંત મહાસાગરમાં અમેરિકી નૌકાદળે ફરી એક વાર ડ્રગ્સની તસ્કરી કરતી શંકાસ્પદ નાની બોટ પર આક્રમક હુમલો કર્યો છે. આ ઘટના શનિવારે બની, જેમાં બોટમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતા. વોશિંગ્ટનના દાયકાઓ જૂના સૌથી દરિયાઈ ડ્રગ્સ વિરોધી અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો હતો.
અમેરિકી કમાન્ડના જણાવ્યા મુજબ, આ ઓપરેશન ‘જોઈન્ટ ટાસ્ક ફોર્સ સધર્ન સ્પીયર’ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુપ્ત માહિતીની આધારે આ બોટ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં આ પ્રકારનો આ 21મો હુમલો છે. પેન્ટાગોનના આંકડા અનુસાર, આવા અભિયાનોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 83 લોકો માર્યા ગયા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ કાર્યવાહીઓનો બચાવ કરતાં કહ્યું છે કે અમેરિકા તરફ આવતા ડ્રગ્સના જથ્થાને અટકાવવા માટે આવી સખત પગલાં અનિવાર્ય છે.
માનવાધિકાર જૂથો અને વિદેશી સાથી દેશોએ આ હુમલાઓની કાનૂનીતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમ છતાં અમેરિકાએ તેના અભિયાનનો એક ભાગ ગણાવ્યો હતો. આ વચ્ચે વિસ્તારમાં તણાવ પણ વધી રહ્યો છે. કારણ કે અમેરિકાનું અત્યાધુનિક વિમાનવાહક જહાજ યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ કેરેબિયન સમુદ્રમાં પહોંચી ગયું છે. આ જહાજ તેના યુદ્ધ જહાજો અને વિમાનો સાથે ‘ઓપરેશન સધર્ન સ્પીયર’માં જોડાયું છે, જે દાયકાઓમાં આ વિસ્તારમાં અમેરિકી સૈન્યની સૌથી મોટી હાજરી બની છે.
આપણ વાંચો: ટ્રમ્પ રશિયા સાથે વેપાર કરતા દેશો પર વધુ મૂકશે પ્રતિબંધ! ભારત અને ચીન પર જોખમ



