વિમાનમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો; અમેરિકન નાગરિકે પ્લેન હાઈજેક કર્યું, મુસાફરે જ ગોળી મારી દીધી

બેલ્મોપન: ગઈ કાલે ગુરુવારે મધ્ય અમેરિકાના એક દેશ બેલીઝના એક પ્લેનમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. પ્લેનને હાઈજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ એક અમેરિકન નાગરિકે છરીની અણીએ નાના ટ્રોપિક એર વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ (Belize Plane Hijack attempt) કર્યો હતો, પરંતુ એક મુસાફરે હાઈજેકરને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
હુમલાખોરની ઓળખ અમેરિકી નાગરિક અકિનેલા સવા ટેલર તરીકે થઈ છે. એરક્રાફ્ટ હવામાં હતું ત્યારે તેણે છરી કાઢી હતી અને માંગણી કરી હતી કે ડોમેસ્ટિક ફ્લાઈટ તેને દેશની બહાર લઈ જાય.
ટ્રોપિક એરના એરક્રાફ્ટમાં 14 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર્સ સવાર હતાં. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટે બેલીઝની મેક્સિકો સાથેની સરહદ નજીકના એક નાના શહેર કોરોઝલથી ટેક ઓફ કર્યું હતું અને લોકપ્રિય પર્યટન સ્થળ સાન પેડ્રો તરફ જઈ રહ્યું હતું, ત્યારે તેને હાઈજેક કરવામાં આવ્યું હતું. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું એ પહલે એરક્રાફ્ટ લગભગ બે કલાક સુધી આકાશમાં આમતેમ ઉડતું રહ્યું.
ત્રણ લોકોને ઈજા:
પોલીસના જણાવ્યા અનુસાર, હાઈજેકરએ વિમાનમાં સવાર ત્રણ લોકોને છરી મારીને ઘાયલ કર્યા હતા, જેમાં પાઇલટ અને ગોળી ચલાવનાર મુસાફરનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાઈજેકરએને ગોળી મારનાર મુસાફરના પીઠમાં છરી વાગી હતી અને તેના ફેફસામાં પંચર થઇ ગયું છે. તેની હાલત હજુ પણ ગંભીર છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે અધિકારીઓ હજુ પણ શું થયું તે અંગે માહિતી એકત્રિત કરી રહ્યા છે.
કોણ હતો હાઈ જેકર અકિનેલા સવા ટેલર?
એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ટેલર યુનાઇટેડ સ્ટેટ્સમાં શિક્ષક હતો. તેમને અગાઉ મિઝોરીના ફ્લોરિસન્ટમાં મેકક્લુઅર નોર્થ હાઇ સ્કૂલમાં ફૂટબોલ કોચ તરીકે નોકરી કરી હતી. જોકે, શાળાના એક કર્મચારીએ જણાવ્યું હતું કે ટેલર હાલમાં ત્યાં કામ કરતો નથી.