ભારતની લોકસભા ચૂંટણીમાં જૂઠાણું ફેલાવતી પોસ્ટ પર નજર રાખશે અમેરિકા

ભારતમાં ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને દેશના બધા જ પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. ભારતમાં યોજાનારી લોકસભાની આ ચૂંટણી માટે અમેરિકાએ પણ તૈયારી કરી લીધી છે. ભારતમાં ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર જુઠ ફેલાવનારા લોકોની દરેક પોસ્ટ પર અમેરિકા ચાંપતી નજર રાખશે. તેથી જે લોકો સોશિયલ મીડિયામાં જૂઠ ફેલાવતા હોય છે અથવા તો અસત્યને સત્ય કહીને કોઈ પણ પક્ષ કે વ્યક્તિની તરફેણમાં ખોટો પ્રચાર કરતા હોય છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે તેમણે હવે સાવધાન થઈ જવું પડશે.
અમેરિકાના એક સેનેટરે મેટાની માલિકીની whatsapp સહિતની સોશિયલ મીડિયા કંપનીઓને સવાલ કર્યો છે કે ભારતમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેઓએ શું તૈયારી કરી છે. આ સેનેટરે જણાવ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ખોટી અને ગેરમાર્ગે દોરતી સામગ્રી શેર કરવામાં થતો હોય છે. સેનેટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓપરેટ કરતી કંપનીઓ પાસે ભારતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા કેટલીક વિગતો માંગી છે.
સેનેટરે જણાવ્યું છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ચૂંટણીઓ માટે જે જોખમો ઊભા થાય છે તે નવા નથી. ભૂતકાળની ચૂંટણીઓમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યાં વપરાશકર્તાઓએ ડીપફેક અને નકલી ડિજિટલ સામગ્રીઓ પોસ્ટ કરી છે. કોઈપણ દેશની રાષ્ટ્રીય સ્થિરતા માટે આ જોખમી છે. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવી ગયું છે જેના દ્વારા નકલી ફોટા વિડિયો અને ઓડિયો પણ તૈયાર કરી શકાય છે, જે ચિંતાજનક છે.
2024નું વર્ષ લોકશાહીનું વર્ષ છે. આ વર્ષમાં 70થી વધુ દેશોમાં ચૂંટણી યોજવાની છે. અને બે અબજથી વધુ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ વર્ષે ક્રોએશિયા, ભારત, યુરોપિયન યુનિયન, આઇસલેન્ડ, ઓસ્ટ્રેલિયા, લિથુઆનિયા નામિબિયા, બેલ્જિયમ, મેક્સિકો, મોલ્ડોવા, મંગોલિયા, પનામા, રોમાનિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા અમેરિકા, બેલ્જિયમ અને બ્રિટન જેવા દેશોમાં ચૂંટણી યોજવાની છે. ‘એક્સ’ના એલાન મસ્ક, ‘મેટા’ના માર્ક ઝુકરબર્ગ, ‘tiktok’ના શો ઝી ચ્યુ અને ‘આલ્ફાબેટ’ના સુંદર પિચાઈને લખેલા પત્રમાં સેનેટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ચૂંટણી નીતિઓ અને સામગ્રીની ટીકા કરી હતી. તેમણે શોષણ મીડિયાને સલાહ આપી હતી કે આ મંચોએ લોકશાહીને મજબૂત બનાવવા માટે કામ કરવું જોઈએ અને તેને નબળી કરવા માટે નહીં.
સેનેટરે એમ પણ જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. ભારતનું મુખ્ય સોશિયલ મીડિયા whatsapp છે જે મેટાને માલિકીનું છે. આ પ્લેટફોર્મમાં ભ્રામક અને ખોટી સામગ્રીને પ્રમોટ કરવાનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેમણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમની નીતિને બદલવા જણાવ્યું હતું