ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, ભારતીય ચોખા અને કેનેડિયન ખાતર પર નવા ટેરિફની શક્યતા!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે, ત્યારથી જ ટેરફીને લઈ ચર્ચામાં રહ્યા છે. ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ રશિયા પાસેથી તેલ ખરીદી કરવા પર વધુ 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો. જેના કારણે ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંતુલન અને સ્થાનિક ઉત્પાદકોના સમર્થનને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પે ફરી એકવાર નવા આયાત ટેરિફ લગાવવાના સંકેતો આપ્યા છે.
ખાસ કરીને અન્ય દેશોમાંથી થતી કૃષિ પેદાશોની આયાત, જેમાં ભારતમાંથી આવતા ચોખા અને કેનેડામાંથી આવતા ખાતર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બંને દેશો સાથે અમેરિકાની વેપાર વાટાઘાટો ચાલુ હોવા છતાં, કોઈ મોટી પ્રગતિ થઈ નથી, જેના કારણે ટ્રમ્પે સખત વલણ અપનાવ્યું છે.
મીડિયા અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નિવેદન વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન આપ્યું હતું. આ બેઠકમાં તેમણે અમેરિકન ખેડૂતોને મદદ કરવા માટે 12 બિલિયન યુએસ ડોલરની એક વિશાળ યોજના જાહેર કરી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે વિદેશમાંથી થતી આયાત સ્થાનિક ઉત્પાદકો માટે ગંભીર પડકાર ઊભો કરી રહી છે અને તેઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમનો ઉદ્દેશ્ય અમેરિકાના ખેડૂતોને સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવામાં મદદ કરવાનો છે.
ટ્રમ્પનું ખાસ ધ્યાન ભારતમાંથી અમેરિકામાં થઈ રહેલા ચોખાની કથિત ડમ્પિંગના મુદ્દા પર છે. અમેરિકાના ખેડૂતોએ સતત ઘટી રહેલા ચોખાના ભાવો તરફ ઈશારો કર્યો છે અને દાવો કર્યો છે કે ભારતને, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી થતી આયાતને કારણે તેમના પાકને ઓછી કિંમત મળી રહી છે.
ટ્રમ્પે આ અંગે સખત શબ્દોમાં કહ્યું, “તેમણે ડમ્પિંગ ન કરવું જોઈએ. મેં આ સાંભળ્યું છે, અને તમે આવું ન કરી શકો.” આ ટિપ્પણી ભારતીય ચોખાના નિકાસકારો માટે ચિંતાનો વિષય બની શકે છે.
સ્થાનિક અમેરિકન ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેનેડામાંથી આવતા ખાતર પર સંભવિત ટેરિફ લગાવવાનું પણ સૂચન કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “આમાંથી ઘણો મોટો હિસ્સો કેનેડાથી આવે છે, અને તેથી જો આપણે કરવું પડ્યું, તો આપણે તેના પર ખૂબ જ ટેરિફ લગાવીશું, કારણ કે આ જ રીતે તમે અહીં વિકાસ કરવા માંગો છો.” આ પગલું સ્થાનિક સ્તરે ખાતરનું ઉત્પાદન વધારવા અને વિદેશી નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ દર્શાવે છે.



