અમેરિકા (USA)માં એકસાથે 10 મહિલા ખેલાડીઓ તબિયત બગડતાં ગૉલ્ફ (Golf) ટૂર્નામેન્ટમાંથી નીકળી ગઇ!
જર્સી સિટી (અમેરિકા): એક તરફ ભારતના કેટલાક ક્રિકેટરો પહેલી જૂને શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ માટે ગણતરીના દિવસોમાં અમેરિકા જવા રવાના થવાના છે એટલે એની તૈયારીમાં વ્યસ્ત થઈ જશે ત્યાં બીજી બાજુ અમેરિકાની જ એક ટૂર્નામેન્ટમાં બનેલી ઘટનાઓએ ચોંકાવી દીધા છે.
અમેરિકામાં ક્રિકેટની રમત તો હજી શૈશવ કાળમાં છે, પરંતુ બાસ્કેટબૉલ, ટેનિસ, ફૂટબૉલ અને ઍથ્લેટિક્સ ઉપરાંત ગૉલ્ફની રમત પણ ખૂબ લોકપ્રિય છે.
અમેરિકાના જર્સી સિટી (Jersey City)માં મિઝુહો અમેરિકાઝ ઓપન (Mizuho Americas Open) નામની મહિલાઓ માટેની ગૉલ્ફ ટૂર્નામેન્ટ ચાલી રહી છે, પરંતુ એમાં ભાગ લેનાર 10 ખેલાડીઓ છેલ્લા બે દિવસ દરમ્યાન કોઈને કોઈ બીમારી તથા ઈજાને કારણે સ્પર્ધાની બહાર થઈ ગયા હોવાથી ટૂર્નામેન્ટના આયોજકો અને અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
બીમારીને લીધે ખેલાડીઓ સ્પર્ધાની બહાર થઈ જવાનું પ્રથમ રાઉન્ડથી શરૂ થયું હતું. ત્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને અમેરિકાની ટોચની ગૉલ્ફર રોઝ ઝાન્ગ પેટમાંના ઇન્ફેક્શનને કારણે સ્પર્ધામાંથી નીકળી ગઈ હતી. ગુરુવારે સ્વીડનની મયા સ્ટાર્ક અને જર્મનીની કૅરોલિન મૅસન બીમારીને લીધે સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ હતી.
જોકે દસમાંથી ત્રણ ખેલાડી ઈજાને લીધે હવે આ સ્પર્ધામાં નથી રમવાની.
ડૉક્ટર્સની ટીમે હવે સ્પર્ધાના બાકીના ખેલાડીઓને પૂર્વ સાવચેતીના પગલાં સૂચવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં જાપાન અને સાઉથ કોરિયાની ખેલાડીઓ પણ ભાગ લઈ રહી છે.