અમેરિકાએ 75 દેશોના અરજદારો માટે વિઝા પ્રક્રિયા પર રોક લગાવી, આ દેશોનો સમાવેશ

વોશિંગ્ટન : અમેરિકાએ વિઝા ધારકો અંગે મોટો નિર્ણય લીધો છે. જેમાં અમેરિકાને 75 દેશોના અરજદારો માટે વિઝા પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. અમેરિકન ટેક્સ પેયર્સના નાણા બચાવવા અને વેલ્ફેર સ્કીમના થતાં દૂરઉપયોગને રોકવામાં માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી એવા અરજદારોને ધ્યાનમાં રાખીને કર્યો છે કે ખાસ કરીને સરકારી સહાય પર નભતા હતા. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટના જણાવ્યા અનુસાર અમેરિકા પોતાની જૂની શક્તિઓનો ઉપયોગ અમેરિકન જનતાનો ફાયદો ઉઠાવનારા અને કલ્યાણ યોજનાઓ પર નિર્ભર બનનારાઓને રોકવા માટે કરશે.
સોમાલિયા, રશિયા, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ઈરાન, ઇરાકનો સમાવેશ
ટ્રમ્પ વહીવટીતંત્રે સોમાલિયા, રશિયા, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ઈરાન, ઇરાક, ઇજિપ્ત, નાઇજીરીયા, થાઇલેન્ડ, યમન અને અન્ય દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં સોમાલિયા અમેરિકન અધિકારીઓ દ્વારા કડક તપાસ હેઠળ છે. મિનેસોટામાં આ કાર્યક્રમોના વ્યાપક દુરુપયોગના ખુલાસા બાદ ઉચ્ચ તપાસ કરવામાં આવી હતી. જેમાં ટેક્સ પેયર્સના નાણાંથી ચાલતા વેલ્ફેર પ્રોગ્રામનો દૂરઉપયોગ પ્રકાશમાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે હજારો લોકો ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને સરકારી સહાય મેળવી રહ્યા હતા.
અમેરિકન જાહેર સંસાધનો પર બોજ બનતા લોકોને અટકાવાશે
આ ઉપરાંત અમેરિકામાં નવેમ્બર 2025 માં જાહેર કરાયેલા નિર્દેશો બાદ કોન્સ્યુલર અધિકારીઓ હવે સ્વાસ્થ્ય, ઉંમર, અંગ્રેજી ભાષાની નિપુણતાનો અભાવ અને નાણાકીય સ્થિતિના આધારે વિઝા નકારી શકે છે. નવા નિયમો હેઠળ, વૃદ્ધ અથવા વધુ વજનવાળા અરજદારોને પણ વિઝા નકારી શકાય છે. આ ઉપરાંત ભૂતકાળમાં સરકારી રોકડ સહાય મેળવનાર અથવા લાંબા ગાળાની તબીબી સારવારની જરૂર હોય તેવી શક્યતા ધરાવતા કોઈપણ વ્યક્તિને અમેરિકામાં પ્રવેશવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. વહીવટીતંત્રનો ધ્યેય એવા વિદેશી નાગરિકોને અટકાવવાનો છે જે અમેરિકન જાહેર સંસાધનો પર બોજ બની શકે છે.



