અમેરિકામાં બે સાંસદોની ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ…

વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે મિનેસોટાના બે સાંસદોને તેમના ઘરોમાં ગોળી મારવામાં આવી હતી. જેને ગવર્નરે ટાર્ગેટ હુમલો ગણાવ્યો હતો. મિનેસોટાના મેયરે જણાવ્યું કે શનિવારે સવારે સેનેટર અને સ્ટેટ રિપ્રેઝન્ટેટિવને તેમના ઘરોમાં ગોળી મારવામાં આવી હતી. આ ગોળીબારમાં બંનેના પરિવારજનોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
ચેમ્પ્લિનના મેયર રાયન સબાસે જણાવ્યું કે રાજ્યના સેનેટર જ્હોન હોફમેન અને રાજ્ય પ્રતિનિધિ મેલિસા હોર્ટમેનને ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં હોફમેનની પત્નીને પણ ગોળી વાગી છે. આ ઉપરાંત, મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે જણાવ્યું કે ભૂતપૂર્વ હાઉસ સ્પીકર મેલિસા હોર્ટમેન અને તેમના પતિની રાજકીય રીતે પ્રેરિત ગોળીબારમાં હત્યા કરવામાં આવી છે.
પોલીસે તપાસ શરૂ કરી
સૂત્રોના જણાવ્યા મુજબ, શંકાસ્પદ વ્યક્તિ કાયદા અમલીકરણ અધિકારીના વેશમાં આવ્યો હતો. ગવર્નર ટિમ વોલ્ઝે જણાવ્યું કે આ ટાર્ગેટ ફાયરિંગ હતું. પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.
અધિકારીઓ એલર્ટ પર
આ ઘટના બાદ અમેરિકાના મિનેસોટામાં ઇમર્જન્સી રિસ્પોન્સને સક્રિય કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તમામ અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે એકસ પર લખ્યું,મને આજે સવારે ચેમ્પ્લિન અને બ્રુકલિન પાર્કમાં લક્ષિત ગોળીબાર સાથે સંકળાયેલી ચાલી રહેલી પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે.
મેં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરને સક્રિય કર્યું છે. ચેમ્પ્લિન અને બ્રુકલિન પાર્કમાં સ્થાનિક કાયદા અમલીકરણ પાસે મિનેસોટા રાજ્યના તમામ સંસાધનો છે. અમે પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ અને ટૂંક સમયમાં વધુ માહિતી શેર કરીશું.