ઇન્ટરનેશનલ

તો શું અમેરિકા ઈઝરાયેલને વધુ હથિયાર નહીં આપે?

બાઇડેનના નિવેદને વિશ્વમાં મચાવ્યો ખળભળાટ

યુએસ પ્રમુખ જો બાઇડેને શુક્રવારે કહ્યું કે તેઓ માને છે કે ‘ઇઝરાયેલને કેટલીક શરતો સાથે લશ્કરી સહાય આપવાનો વિચાર યોગ્ય છે’. મતલબ કે ગાઝામાં યુદ્ધ લડવા માટે અમેરિકા હજુ પણ ઈઝરાયલને કેટલીક શરતોને આધિન શસ્ત્રો વગેરે આપવાનું ચાલુ રાખશે. જોકે, બાઇડેને એવી આશા પણ વ્યક્ત કરી હતી કે હમાસ સાથેનો યુદ્ધવિરામ 4 દિવસથી વધુ ચાલશે.

બાઇડેને કહ્યું હતું કે, ‘અમે આશા રાખીએ છીએ કે આવતીકાલે વધુ બંધકોને મુક્ત કરવામાં આવશે, બીજા દિવસે પણ વધુ અને તેના પછીના દિવસે પણ વધુ બંધકોને મુક્ત કરવામાં આવશે.’ કતારના જણાવ્યા અનુસાર, મુક્ત કરાયેલા બંધકોમાં 13 ઈઝરાયલના, 10 થાઈલેન્ડના અને એક ફિલિપાઈન્સના છે.


બદલામાં ઈઝરાયલે 39 પેલેસ્ટાઈનીઓને જેલમાંથી મુક્ત કર્યા હતા. બાઇડેને કહ્યું કે ઇઝરાયાલને શરતો સાથે લશ્કરી સહાય આપવી એ એક સારો વિચાર છે, પરંતુ મને નથી લાગતું કે જો મેં શરૂઆતથી જ એવું કર્યું હોત, તો આપણે આજે જ્યાં છીએ ત્યાં સુધી પહોંચી શક્યા હોત. જો કે આ શરતો શું હશે તે અંગે તેમણે કોઈ માહિતી આપી નહોતી.

દરમિયાન, ઇઝરાયલી સેનાનું કહેવું છે કે યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા મુક્ત કરાયેલા બંધકો ઇઝરાયલ પરત ફર્યા છે. ઇઝરાયેલના સૈન્ય અધિકારીઓએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંધકોને ઇઝરાયલના વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ તબીબી તપાસ કરવામાં આવી હતી.


ઇઝરાયલી સૈનિકો બંધકોને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવા હોસ્પિટલોમાં લઇ ગયા હતા. કતારે જણાવ્યું હતું કે કુલ 24 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 13 ઇઝરાયલના નાગરિકો છે. ઈઝરાયલે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે યુદ્ધવિરામ કરાર હેઠળ 39 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button