અમેરિકા પ્રમુખ કમલા હેરિસને આવકારવા તૈયાર છે: બરાક ઓબામા
શિકાગો: એક વધુ સારી વાર્તા માટે અમેરિકનો કમલા હેરિસને પ્રમુખપદે આવકારવા માટે તૈયાર થઈ ગયા છે એમ જણાવતાં બરાક ઓબામાએ કમલા હેરિસ માટે જોરદાર રજૂઆત કરી હતી અને વિરોધી ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ વધુ ચાર વર્ષ ધમાલ, અરાજકતા અને મૂર્ખામીનો શાસનકાળ ઇચ્છતા નથી.
ભૂતપૂર્વ પ્રમુખ ઓબામાએ મંગળવારે રાત્રે ડેમોક્રેટિક નેશનલ ક્ધવેન્શનમાં તેમના ભાષણમાં 16 વર્ષ પહેલાં તેમના ભૂતપૂર્વ ઉપપ્રમુખ જો બાઈડેનને પસંદ કરવાનું યાદ કર્યું અને બાઈડેને તેમના સાથી હેરિસને મશાલ આપી છે એમ કહીને તેમના મિત્રની સિદ્ધિઓને માન્યતા આપી.
કમલા હેરિસ પાંચમી નવેમ્બરની ચૂંટણીમાં રિપબ્લિકન પ્રતિસ્પર્ધી ટ્રમ્પ સામે ટક્કર કરવા માટે ગુરુવારે ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના નામાંકનને ઔપચારિક રીતે સ્વીકારશે.
અમેરિકા એક નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. અમેરિકા વધુ સારી વાર્તા માટે તૈયાર છે. અમે રાષ્ટ્રપતિ કમલા હેરિસ માટે તૈયાર છીએ અને કમલા હેરિસ કામ કરવા માટે તૈયાર છે, એમ ઓબામાએ પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું હતું.
આ પણ વાંચો: ડેમોક્રેટિક પક્ષે કમલા હેરિસની ઉમેદવારી પર મહોર મારી, ટ્રમ્પને ટક્કર આપશે
ઇતિહાસ બાઈડેનને એવા પ્રમુખ તરીકે યાદ રાખશે જેમણે મહાન જોખમોની ક્ષણે લોકશાહીનો બચાવ કર્યો હતો, એમ ઓબામાએ કહ્યું હતું અને મને તેમને મારા રાષ્ટ્રપતિ કહેવાનો ગર્વ છે, પરંતુ મને તેમને મારા મિત્ર તરીકે ઓળખાવવામાં પણ ગર્વ છે. હવે મશાલ આગળ પસાર થઈ ગઈ છે.
હવે આપણે જે અમેરિકામાં માનીએ છીએ તેના માટે લડત કેવી રીતે આપવી એ આપણા બધા પર નિર્ભર છે, એમ પ્રથમ અશ્ર્વેત અમેરિકન પ્રમુખ ઓબામાએ સંમેલનમાં તેમના પ્રાઇમ-ટાઇમ સંબોધનમાં જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે જે અદ્ભુત ઊર્જા ઉત્પન્ન કરી શક્યા છીએ તે માટે અભિનંદન, હજુ પણ આ વિભાજિત દેશમાં એક સંઘર્ષપૂર્ણ લડાઈ ચાલવાની છે. એક એવો દેશ જ્યાં ઘણા બધા અમેરિકનો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે અને સરકાર મદદ કરી શકે છે એવો ભરોસો ધરાવતા નથી, એમ ઓબામાએ કહ્યું હતું.
ઓબામાએ આ પ્રસંગે ટ્રમ્પ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે અમેરિકાને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદની વધુ ચાર વર્ષની જરૂર નથી, તેમણે તેમની નીતિઓ અને તેમના ચરિત્રની નિંદા કરી.
ઓબામાએ કહ્યું કે સેનેટમાં દ્વિપક્ષીય સરહદ સોદાને ખતમ કરવાના અને મહિલાઓના પ્રજનન અધિકારોને છીનવી લેવાના ટ્રમ્પના પગલાથી અમેરિકનોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે ભીડે ટ્રમ્પનો હુરિયો બોલાવ્યો ત્યારે ઓબામાએ કહ્યું કે બૂમરાણ ન કરો, મતદાન કરો.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસથી ડરી ગયા! ડિબેટ કરવાથી ઇનકાર કર્યો, જાણો રેસમાં કોણ આગળ
ઓબામાએ કહ્યું હતું કે, અમને વધુ ચાર વર્ષ ધમાલ અને અરાજકતાની જરૂર નથી, અમે આ ફિલ્મ પહેલાં જોઈ ચૂક્યા છીએ અને આપણે બધા જાણીએ છીએ કે સિક્વલ સામાન્ય રીતે ખરાબ હોય છે.
તેમણે વ્યક્તિગત હુમલો કરતાં ટ્રમ્પને 78 વર્ષ અબજોપતિ તરીકે ઓળખાવ્યા હતા જેમણે નવ વર્ષ પહેલાં તેમના ગોલ્ડન એસ્કેલેટર પર સવારી કરી ત્યારથી તેમની સમસ્યાઓ વિશે રડવાનું બંધ કર્યું નથી. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પની ફરિયાદો હવે વધુ ખરાબ થઈ રહી છે, કારણ કે તેમને કમલા સામે હારવાનો ડર છે. બાલિશ ઉપનામો, ઉન્મત્ત ષડ્યંત્રની વાર્તાઓ, ભીડના કદ સાથેનો આ વિચિત્ર વળગાડ, એમ ઓબામાએ ભીડનો ઉત્સાહ વધારવા માટે મોટેથી કહ્યું હતું.
ઓબામાએ કહ્યું કે હેરિસ એક એવી વ્યક્તિ છે જેણે પોતાનું જીવન એવા લોકો વતી લડવામાં વિતાવ્યું છે જેમને અવાજની જરૂર છે અને તેઓ ચેમ્પિયન છે.
ઓબામાએ જણાવ્યું હતું કે હેરિસ જ્યારે રાજ્યના એટર્ની જનરલ હતા ત્યારે કેલિફોર્નિયાના લોકો માટે સારા પરિણામો મેળવવા માટે વહીવટીતંત્ર પર સખત દબાણ કર્યું હતું.
ઓબામાએ કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સને એવા રાષ્ટ્રપતિની જરૂર છે જે આખા દેશમાં લાખો લોકોની ચિંતા કરે જેઓ દરરોજ જાગે, બીમાર લોકોની સંભાળ રાખવા, શેરીઓ સાફ કરવા, તેમના પેકેજો પહોંચાડવા અને તેમના માટે ઊભા રહેવા માટે આવશ્યક, ઘણીવાર કૃતજ્ઞતા વિનાનું કામ કરે. (પીટીઆઈ)