અમેરિકામાં હેલોવીન પાર્ટીમાં ગોળીબાર, બેના મોત 11 લોકો ઘાયલ

કેરોલિના : અમેરિકાના ઉત્તર કેરોલિનાના શહેર મેક્સટનની બહાર હેલોવીન પાર્ટીમાં ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બે લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાજધાની રેલેથી 95 માઇલ દુર કેરોલિના સરહદ નજીક ડિક્સન ડ્રાઇવ પરના ગ્રામીણ વિસ્તારમાં બની હતી. રોબેસન કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર આ ઘટનાની જાણ સવારે ત્રણ વાગ્યે થઈ હતી.
પાર્ટીમાં 150 થી વધુ લોકો હતા
આ અંગે મળતી માહિતી મુજબ પાર્ટીમાં 150 થી વધુ લોકો હતા. તેમજ આ ઘટના બાદ સ્થળ પર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે શેરિફ બર્નિસ વિલ્કિન્સે જણાવ્યું હતું કે આ ઘટનામાં કુલ 13 લોકોને ગોળી વાગી હતી.તેમજ ગોળીબાર કરનારા અંગે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેમજ હજુ સુધી મૃતકોના નામ જાહેર કરવામાં નથી આવ્યા.
અઠવાડિયામાં ડિક્સન ડ્રાઇવ પર ગોળીબારની બીજી ઘટના
જયારે ગોળીબારીની ઘટના બાદ નોર્થ કેરોલિના સ્ટેટ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પણ તપાસમાં મદદ કરી રહ્યું છે. આ અઠવાડિયામાં ડિક્સન ડ્રાઇવ પર ગોળીબારની બીજી ઘટના છે. જેમાં 22 ઓક્ટોબરના રોજ 28 વર્ષીય ડેરિયસ મેકનીલની રસ્તા પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર તે ઘરેલુ વિવાદ હતો. આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી થયું.



