અમેરિકામાં આર્થિક સંકટ ઘેરાયું, શટડાઉન લાંબુ ચાલે તેવી શકયતા

વોશિંગ્ટન : અમેરિકામાં છેલ્લા બે અઠવાડિયાથી શરુ થયેલું શટડાઉન હજુ પણ લાંબુ ચાલે તેવી શક્યતા છે. જેમાં રિપબ્લિકન પાર્ટીના સ્પીકર માઈક જોનસને જણાવ્યું કે આ શટડાઉન લાંબુ ચાલી શકે છે. તેમજ અત્યાર સુધીનું આ સૌથી મોટું શટડાઉન હોઈ શકે છે. જોનસને વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી ડેમોક્રેટિક પક્ષના સભ્યો આરોગ્ય સુવિધા અંગેની માંગ પડતી નહી મુકે ત્યાં સુધી સરકારી ભંડોળ ફરી શરુ કરી શકાય તેમ નથી.
જેડી વેન્સે કડક કાપની ચેતવણી આપી
અમેરિકાના શટડાઉનને 13 દિવસ થયા છે. ત્યારે સ્પીકર જોનસને અમેરિકી સંસદ ભવન પરિસરમાં જણાવ્યું હતું કે, હાલમાં કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી તે અંગે કોઈ જાણકારી નથી. આ ખુબ સામાન્ય સામૂહિક છટણી છે. જયારે બીજી તરફ ઉપ રાષ્ટ્ર્પતિ જેડી વેન્સે કડક કાપની ચેતવણી આપી છે. જયારે કર્મચારી સંઘ કાયદાકીય લડત આપવામાં મૂડમાં છે.
શટડાઉનથી અર્થતંત્ર માટે વધુ અનિશ્ચિતતા ઊભી થઈ
સ્પીકર માઈક જોનસને વધુમાં જણાવ્યું હતું કે, શટડાઉન પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે. તેમજ અમેરિકન ઇતિહાસમાં સૌથી લાંબા શટડાઉન તરફ આગળ વધી રહ્યા છીએ. સરકારી ભંડોળમાં રોકને કારણે શટડાઉને નિયમિત સરકારી કામગીરીને અસર ગ્રસ્ત કરી દીધી છે. જેમાં સંગ્રહાલયો અને અન્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે. તેમજ ફ્લાઇટમાં અવરોધના કારણે એરપોર્ટ ખોરવાઈ ગયા છે. શટડાઉનથી અર્થતંત્ર માટે વધુ અનિશ્ચિતતા ઊભી થઈ છે.
આ પણ વાંચો…US શટડાઉનનો 13મો દિવસ: વધુ કર્મચારીઓની નોકરી જશે, ઉપરાષ્ટ્રપતિની ચેતવણી