B-2 સ્ટીલ્થ બોમ્બર્સનો અમેરિકાએ ઈરાન સામે કર્યો ઉપયોગ, જાણો આ ફાઈટર જેટની ખાસિયત…

નવી દિલ્હી: ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે અમેરિકાએ પણ ભાગ લીધો હોય એવું લાગી રહ્યું છે. અમેરિકાએ ગત શનિવારની મોડી રાત્રે ઈરાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો તોડી પાડવામાં આવ્યા છે. મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકાએ આ હુમલા માટે પોતાના B-2 સ્ટીલ્થ બોમ્બર્સ ફાઈટર જેટનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આવો આ અમેરિકન ફાઈટર જેટની ખાસિયત વિશે જાણીએ.
રડારમાં પકડાતું નથી B-2 સ્ટીલ્થ બોમ્બર્સ
જાણીતી અમેરિકન કંપની નોર્થ્રોપ ગ્રુમેન અમેરિકા માટે B-2 સ્ટીલ્થ બોમ્બર્સ ફાઈટર જેટ બનાવે છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ B-2 સ્ટીલ્થ બોમ્બર્સ દુનિયાનું સૌથી મોંઘું ફાઈટર જેટ છે. છેલ્લા ત્રણ દાયકાથી તે સ્ટીલ્થ ટેક્નોલોજીનો આધારસ્તંભ બની રહ્યું છે. નોર્થ્રોપ ગ્રુમેન કંપનીના જણાવ્યાનુસાર, આ ફાઈટર દુશ્મનની સુરક્ષા પ્રણાલી ભંગ કરવાની ક્ષમતા ધરાવે છે.

B-2 સ્ટીલ્થ બોમ્બર્સ ફાઈટર જેટ દરેક પ્રકારની ઊંચાઈ પરથી હુમલો કરવાની અને એર ડિફેન્સ સિસ્ટમનો ભંગ કરવા માટે જાણીતું છે. તે રડારની પકડમાં પણ જલ્દી દેખાતું નથી. તેના ફ્લાઇંગ-વિંગ ડિઝાઈન, રડાર-એબઝોરમેન્ટ મટેરિયલ અને નીચા ઇન્ફ્રારેડ સિગ્નેચરના કારણે તેનો રડાર ક્રૉસ-સેક્શન 0.001 સ્ક્વેર મીટરની આસપાસ છે. તે એક નાનકડા પક્ષી જેટલો હોય છે.
બંકર બસ્ટર બોમ્બની વિશેષતા
એક મીડિયા અહેવાલ અનુસાર અમેરિકાએ ઈરાનના ફોર્ડો પર હુમલો કરવા માટે છ બંકર બસ્ટર બોમ્બથી મારો કર્યો હતો. B-2 એકમાત્ર એવું એમેરિકન ફાઈટર જેટ છે, જે બોમ્બમારો કરવા માટેની વિશાળ દારૂગોળાથી સજ્જ મિસાઈલનું વહન કરવા માટે સક્ષમ છે. બંકર બસ્ટર બોમ્બ બંકર અને ટનલનો તોડી પાડવા માટે સક્ષમ હોય છે. તેની વજન 30,000 પાઉન્ડ હોય છે. જે જમીનમાં 200 મીટર સુધી ઊંડે ઉતરી શકે છે.