શ્રીલંકામાં ભારતીય ટીમના માલિક પટેલ સામે મૅચ-ફિક્સિગંનો આક્ષેપ

કોલંબો: શ્રીલંકામાં લેજન્ડ્સ ક્રિકેટ લીગ (એલસીએલ)ને માન્યતા નથી મળી અને એ સ્થિતિમાં યોજાયેલી આ સ્પર્ધાની એક ક્રિકેટ ટીમના માલિક યૉની પટેલ સામે મૅચ-ફિક્સિગંનો આક્ષેપ થયો છે અને તેના જામીન શુક્રવારે અદાલતે નકારતા હવે યૉની પટેલને અદાલતમાં દોષી ઠરાવવામાં આવશે એવી સંભાવના છે.
કોલંબોની મૅજિસ્ટ્રેટની અદાલતના અધિકારીઓએ જણાવ્યું હતું કે યૉની પટેલ ઉપરાંત તેના સાથી પી. આકાશ વિરુદ્ધ પણ આક્ષેપ થયો છે. બન્ને જણને શ્રીલંકાની બહાર જવાની મનાઈ કરાઈ છે.
ગઈ 8-19 માર્ચ દરમ્યાન પલ્લેકેલના ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં એલસીએલની ઇવેન્ટ યોજાઈ હતી. એ સ્પર્ધાની ફાઇનલમાં રાજસ્થાન કિંગ્સે ન્યૂ યૉર્ક સુપર સ્ટ્રાઇકર્સ ટીમને હરાવી હતી.
કૅન્ડી સ્વૅમ્પ આર્મી નામની ટીમની માલિકી યૉની પટેલ પાસે છે, જ્યારે આકાશ પંજાબ રૉયલ્સ ટીમનો મૅનેજર છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન ઉપુલ થરંગા હાલમાં શ્રીલંકાની નૅશનલ સિલેક્શન કમિટીના ચૅરમૅન છે. તેણે અને ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ખેલાડી નીલ બ્રૂમે માર્ચની સ્પર્ધામાં ખરાબ રમવા માટે પ્રેરિત કરીને એ રીતે ફિક્સિગં કરાયું હોવાનો આક્ષેપ યૉની પટેલ તેમ જ આકાશ વિરુદ્ધની ફરિયાદમાં કર્યો છે. આ ફરિયાદ શ્રીલંકાના ખેલકૂદ મંત્રાલયને કરાઈ છે.
આ કેસમાં ગુનેગાર પુરવાર થનારને 10 વર્ષ સુધીની જેલની સજા તેમ જ દંડ થઈ શકે છે. કસૂરવારોએ ફિક્સિગં કરવા માટે જેમનો સંપર્ક કર્યો તેમણે સંબંધિત વિભાગને જાણ ન કરી એ બદલ તેમને પણ સજા થઈ શકે છે.