અલાસ્કા શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પે ફરી પુતિનને આપી ચેતવણી, કહ્યું નક્કર પરિણામ નહીં આવે તો…

2022માં શરૂ થયેલા યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને ત્રણ વર્ષ અને છ મહિના વીતી ગયા છે, પરંતુ હાલ સુધી બંને દેશો વચ્ચે શાંતિના સંકેત દેખાયા નથી. અનેક દેશોએ આ યુદ્ધને અટકાવવા માટે પ્રયાસો કર્યા છે, પણ કોઈ સફળતા મળી નથી. યુદ્ધવિરામ પર સહમતિ બની શકી નથી. આ વચ્ચે, આવતીકાલે એટલે કે 15 ઓગસ્ટે અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચેની મુલાકાત આ યુદ્ધને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાતથી વિશ્વમાં શાંતિની આશા જાગી છે.
આ મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો મોસ્કો યુક્રેન સાથે શાંતિ વાતચીતમાં અડચણો ઊભી કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે અલાસ્કા મુલાકાતમાં જો કોઈ નક્કર પરિણામ નહીં આવે તો મોસ્કો વિરુદ્ધ કડક પગલા લેવાશે, જેમાં આર્થિક પ્રતિબંધોનો પણ સમાવેશ થઈ શકે છે. જોકે, કેવા પ્રતિબંધો અને ક્યારે લાગુ કરવામાં આવશે તે વિશે વધુ વિગતો આપવામાં આવી નથી.
ટ્રમ્પે કહ્યું કે અલાસ્કા મુલાકાત બીજી મુલાકાત માટેનું પગથિયું છે, જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી પણ જોડાશે. જો પ્રથમ મુલાકાત સકારાત્મક રહેશે તો થોડા જ દિવસોમાં બીજી મુલાકાતનું આયોજન કરવામાં આવશે. તેઓ તેમાં જોડાવા પણ તૈયાર છે, પરંતુ તે ઝેલેન્સ્કી પર આધારિત છે. વળી, ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને આ યુદ્ધ માટે જવાબદાર ગણાવ્યા. તેઓ આને સુધારવા આવ્યા છે અને છેલ્લા છ મહિનામાં પાંચ યુદ્ધો અટકાવ્યા છે, તેમજ ઈરાનની પરમાણુ ક્ષમતાનો નાશ કર્યો છે.
યુરોપીય નેતાઓની પ્રતિક્રિયા
આ ચેતવણી જર્મનીમાં આયોજિત વર્ચ્યુઅલ મીટિંગ પછી આવી છે, જેમાં ટ્રમ્પ, ઝેલેન્સ્કી અને યુરોપીય નેતાઓ સામેલ હતા. આ મીટિંગને ટ્રમ્પે ઉત્તમ ગણાવી. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે કહ્યું કે જો અલાસ્કા મુલાકાતમાં રશિયા તરફથી નિર્ણાયક પગલું નહીં આવે તો અમેરિકા અને યુરોપ મોસ્કો પર દબાણ વધારશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાન્યુએલ મેક્રોને કહ્યું કે કીવની સંમતિ વિના યુક્રેનની જમીન રશિયાને આપી શકાય નહીં. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મીટિંગને સકારાત્મક ગણાવી અને યુરોપીય દેશોનો આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ યુક્રેનના લગભગ 19 ટકા વિસ્તાર પર કબજો કરી લીધો છે અને તે વર્તમાન સ્થિતિને જાળવી રાખવા માંગે છે. પુતિને અનેક વખત યુદ્ધવિરામની માંગને નકારી છે. પશ્ચિમી દેશોને ભય છે કે આમ કરવાથી અન્ય પડોશી દેશો માટે પણ જોખમ વધશે.
આ પણ વાંચો…ટ્રમ્પ-પુતિનની બેઠક વચ્ચે ભારત-અમેરિકાનો ‘યુદ્ધ અભ્યાસ’: 400 જવાન અલાસ્કા પહોંચશે…