Canada plane Fire: એક દિવસમાં બીજી પ્લેન દુર્ઘટના બનતા રહી ગઈ, એર કેનેડાના પ્લેનમાં શું થયું?
ઓટાવા: એવિએશન ઇન્ડસ્ટ્રી માટે આજનો દિવસ ભારે સાબિત થઇ રહ્યો છે. આજે રવિવારે સવારે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર જેજુ એરનું એક પેસેન્જર પ્લેનમાં રનવે પરથી સરકી જતાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 180 જેટલા લોકોના મોતની આશંકા છે. આ દુર્ઘટના અંગે દુનિયાભરના લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. એવામાં કેનેડામાં પણ પ્લેન અકસ્માત સર્જાયો (Canada plane accident) છે.
એરપોર્ટ ઓથોરીટી દોડતી થઇ:
એર કેનેડાના એક પ્લેનને હેલિફેક્સ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તૂટેલા લેન્ડીંગ ગિયર સાથે આ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પ્લેનના કેટલાક ભાગોમાંથી આગ નીકળતી દેખાય છે. રાહતની વાત એ છે કોઈ જાનહાનિ થઇ નથી, એરપોર્ટ ઓથોરીટી દોડતી થઇ ગઈ હતી.
ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જો કે, પ્લેનમાં આગ લાગવાને કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
આ પણ વાંચો : ટ્રમ્પે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને કહ્યા, પાગલ ડાબેરી, જાણી લો કારણ?
એર કેનેડાની આ ફ્લાઈટ સેન્ટ જોન્સથી હેલિફેક્સ આવી રહી હતું. પ્રાથમિક અહેવાલો મુજબ લેન્ડિંગ ગિયર તૂટવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં તપાસ ચાલી રહી છે અને વિમાનને થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.
દક્ષિણ કોરિયામાં ભયાનક દુર્ઘટના:
આ ઘટનાના થોડા કલાકો પહેલા જ દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બોઈંગ 737 ફ્લાઈટના લેન્ડિંગ ગીયર ખુલ્યા ના હતાં, જેને કારણે એરક્રાફટ બેકાબુ થઇને દિવાલ સાથે અથડાયું હતું, જોરદાર વિસ્ફોટ થતાં 179 લોકોના મોત થયા, માત્ર બે લોકો જ બચી શક્યા છે.
હવાઈ મુસાફરી અંગે ચિંતા:
આ ઘટનાઓ બાદ એવિએશન સિક્યોરિટી અંગે વિવિધ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. નિષ્ણાતોના મત મુજબ કે આ અકસ્માતોના કારણોને ધ્યાનમાં રાખીને એરલાઇન કંપનીઓએ તેમના વિમાનના મેન્ટેનન્સ અને સલામતીના ધોરણોને વધુ કડક બનાવવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય