પેલેસ્ટાઈન બાદ હવે લેબેનને ઈઝરાયલ પર રોકેટ છોડ્યા, ઈઝરાયલનો વળતો જવાબ

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે ઇઝરાયલ પર ઉત્તર તરફથી પણ હુમલાનો કરવામાં આવ્યો છે. પાડોશી દેશ લેબનન તરફથી ઇઝરાયેલના કેટલાક વિસ્તારો પર મિસાઇલો અને મોર્ટાર છોડવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ લેબનોન તરફથી છોડવામાં આવેલી મિસાઈલો માઉન્ટ ડોવ વિસ્તારમાં પડી હતી. આ હુમલામાં કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
અહેવાલો મુજબ ઈઝરાયેલ પર આ હુમલો હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠને કર્યો હતો. હિઝબુલ્લાહ પહેલા પણ ઈઝરાયેલને નિશાન બનાવી ચૂક્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે વળતો હુમલો કરતા લેબનન પર તોપ મારો કર્યો હતો. ઈઝરાયેલની સેનાએ એક નિવેદનમાં કહ્યું, ‘IDF પહેલાથી જ આવા હુમલાની શક્યતા માટે તૈયારી કરી રહ્યું હતું. અમે તમામ ક્ષેત્રોમાં કામગીરી કરીશું. ઇઝરાયેલના નાગરિકોની સુરક્ષાનું દરેક સમયે ધ્યાન રાખવા માટે કામ કરીશું. લેબનન બોર્ડર પર IDF સૈનિકો સજ્જ છે.’
લેબનન અને ઈઝરાયેલ બંને એકબીજાને દુશ્મન દેશ માને છે. બંને વચ્ચે સંઘર્ષ બાદ 2006માં શાંતિ સમજૂતી થઈ હતી, જે બાદથી શાંતિ જળવાઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લેબનનથી ઈઝરાયેલ તરફ નાના મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલ પણ આનો વળતો જવાબ આપી રહ્યું છે. આવા મોટાભાગના હુમલા પાછળ હિઝબુલ્લાહનો હાથ હોવાનું માનવામાં આવે છે, જે લેબનોનમાં ખૂબ જ સક્રિય છે. પશ્ચિમી દેશોએ હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.