નિજ્જરની હત્યા બાદ FBIએ અમેરિકામાં રહેતા શીખોને ચેતવણી આપી હતી, રીપોર્ટમાં ખુલાસો
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાબતે ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવ દરમિયાન એક મહત્વની માહિતી જાહેર થઇ છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિજ્જરની હત્યા બાદ અમેરિકાની સુરક્ષા એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના એજન્ટોએ અમેરિકામાં રહેતા કેટલાક શીખોને ચેતવણી આપી કે તેમનો જીવ જોખમમાં છે.
એક અહેવાલ અનુસાર આ વર્ષે જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારા બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થયા પછી, એફબીઆઈ એજન્ટોએ આ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા શીખ લોકોની મુલાકાત લઈને ચેતવણી આપી હતી. કેલિફોર્નિયા સ્થિત એક એનજીઓ એ જણાવ્યું હતું કે સમગ્ર યુ.એસ.માં રહેતા શીખોને રાજકીય ધમકીઓ અંગે પોલીસ ચેતવણીઓ મળી હતી.
કેલિફોર્નિયામાં રહેતા એક શીખ આગેવાને જણાવ્યું હતું કે, જૂનના અંતમાં એફબીઆઈના બે સ્પેશીયલ એજન્ટ મને મળવા આવ્યા, જણાવ્યું હતું કે મારા જીવને જોખમ છે. તેમણે કહ્યું કે એફબીઆઈ એજન્ટે એ જણાવ્યું ન હતું કે કોનાથી જોખમ છે. પરંતુ સાવચેત રહેવા માટે કહ્યું હતું.
અન્ય બે શીખ અમેરિકનોએ પણ પુષ્ટિ કરી હતી કે એફબીઆઈ એજન્ટોએ આ સમયગાળા દરમિયાન જ તેમને મળ્યા હતા. જો કે, ફેડરલ એજન્સીએ હજુ સુધી આ ઘટનાક્રમ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના ગુરુદ્વારા કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું હતું કે નિજ્જરની હત્યા થઈ તે પહેલા કેનેડિયન ગુપ્તચર અધિકારીઓએ ખાલિસ્તાની સમર્થકોને ચેતવણી આપી હતી કે તેના જીવને જોખમ છે. જોકે, ધમકી કોના તરફથી મળી હતી તે તેમણે જણાવ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ કહ્યું કે હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતીય જાસૂસોની સંડોવણી હોવાના પુરતા પુરાવા છે. ત્યાર બાદ સમગ્ર વિવાદ છંછેડાયો હતો.