ઇન્ટરનેશનલ

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાની દવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ…

કાબુલ: અફઘાનિસ્તાનની ઇસ્લામિક એમિરેટ સરકારે પાકિસ્તાનથી દવાઓના આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અફઘાનિસ્તાન હવે પાકિસ્તાન પાસેથી કોઈ પણ પ્રકારની દવાઓની ખરીદી નહીં કરે તેવી સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. સરકારે આ બાબતે આદેશ જારી કર્યો છે અને વેપારીઓને વૈકલ્પિક માર્ગો અપનાવવાનું કહ્યું છે. જો કોઈ વેપારી પાસેથી પાકિસ્તાની દવાઓ ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

પાકિસ્તાનથી દવાઓના આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અફઘાનિસ્તાનના નાણાં મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કયૂમ નાસિરના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય સોમવારથી અમલમાં આવ્યો છે. પાકિસ્તાની દવાઓની તસ્કરી માર્ગો પર પણ પગલાં લેવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કોઈ પાકિસ્તાનથી દવાઓની તસ્કરી કરતો પકડાય તો તેની સામે કેસ નોંધાશે અને જપ્ત માલ નાશ કરાશે. અફઘાનિસ્તાનનો આ નિર્ણય પાકિસ્તાન માટે મોટું જોખમ સર્જી શકે છે.

અફઘાનિસ્તાનનો નિર્ણય પાકિસ્તાનને ભારે પડશે

અત્યારે પાકિસ્તાની સ્થિતિ કપરી છે, તેમાં હવે જો વેપાર બંધ થઈ જાય છે તો તેને મોટા નુકસાનનો સામનો કરવો પડશે, એટલે કે પાકિસ્તાન માટે અફઘાનિસ્તાનનો નિર્ણય પડતા પર પાટું જેવો સાબિત થવાનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અફઘાની વેપારીઓને 19 દિવસનો સમય આપવામાં આવ્યો છે, આ દરમિયાન તેઓએ પાકિસ્તાન સાથેના વ્યાપારિક દસ્તાવેજો બંધ કરી દેવાના રહેશે.

અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેના સરહદી માર્ગો બંધ

નોંધનીય છે કે, આ નિર્ણય મહિનાઓના રાજકીય તણાવ, પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચેની સરહદી ઝડપો અને મુખ્ય ટ્રાન્ઝિટ માર્ગો બંધ થયા પછી આવ્યો છે. સપ્ટેમ્બરથી અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેના મોટા ભાગના સરહદી માર્ગો બંધ છે. વિગતો એવી પણ આવી છે કે, વેપારીઓને પાકિસ્તાન સાથે વેપાર બંધ કરી વૈકલ્પિક માર્ગો શોધવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અફઘાનિસ્તાન હવે ભારત પાસેથી દવાઓની આયાત વધારવા માંગે છે, કારણે વિશ્વમાં દવાઓનો સૌથી મોટો ઉત્પાદક ભારત છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button