પાકિસ્તાનના આરોપ પાયાવિહોણા: ભારતને લઈને પાકિસ્તાને કરેલી ટિપ્પણીનો અફઘાનિસ્તાને આપ્યો જવાબ

ઈસ્લામાબાદ/કાબૂલ: કામચલાઉ યુદ્ધવિરામ બાદ કતરના દોહા ખાતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને અંતે યુદ્ધવિરામ માટે સહમત થયા છે, પરંતુ આ સહમતિ પહેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાનના યુદ્ધમાં મધ્યસ્થતા માટે આમંત્રણ આપવાની પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને યુદ્ધવિરામ કરાવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સાથે તેમણે ભારત પર પણ આક્ષેપો કર્યા હતા કે, “કાબૂલ ભારત માટે પ્રોક્સી વોર લડી રહ્યું છે. તાલિબાનનો નિર્ણય ભારતથી સ્પોન્સર થઈ રહ્યો છે.” ત્યારે હવે ખ્વાજા આસિફના આ આરોપોને અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી મૌલવી યાકૂબે જવાબ આપ્યો છે.
અફઘાનિસ્તાનના ભારત સાથે સ્વતંત્ર સંબંધ
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી મૌલવી યાકૂબે પાકિસ્તાનના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “અમારી નીતિ ક્યારે પણ પોતાની જમીન સિવાય કોઈ બીજા દેશ વિરૂદ્ધ ઉપયોગ કરવાની નથી. અફઘાનિસ્તાન ભારત સાથે એક સ્વતંત્ર રાષ્ટ્રની જેમ સંબંધ રાખે છે અને રાષ્ટ્રીય હિતોના માળખામાં આ સંબંધોને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે. સાથોસાથ પાકિસ્તાન સાથે પણ પડોશી સંબંધો જાળવી રાખશે. અમારું લક્ષ્ય સંબંધોનો વિસ્તાર કરવાનું છે, તણાવ પેદા કરવાનું નહીં. પાકિસ્તાનના આરોપ પાયાવિહોણા, અવ્યવહારું અને અસ્વીકાર્ય છે.”
આ પણ વાંચો : કયા પડકારોને કારણે અફઘાનિસ્તાને ભારત ખાતેનું તેનું દૂતાવાસ બંધ કર્યું?
આતંકવાદ અંગે અફઘાની રક્ષા મંત્રીએ જણાવ્યું કે, “અફઘાનના લોકોનો પોતાના વતનની રક્ષા માટે હંમેશા ખડેપગે રહ્યા છે. જો કોઈ દેશ અફઘાનિસ્તાન પર હુમલો કરશે, તો અફઘાનની જનતા બહાદૂરીપૂર્વક પોતાના દેશની રક્ષા કરશે. પાકિસ્તાન પોતાના રાજકીય વિરોધીઓને ‘આતંકવાદી’ કહે છે. પરંતુ ‘આતંકવાદી’ની કોઈ સ્પષ્ટ પરિભાષા નક્કી કરવામાં આવી નથી.”
25 ઓક્ટોબરે યોજાશે બેઠક
મૌલવી યાકૂબે આગળ જણાવ્યું કે, “અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પડોશી દેશ છે. તેમની વચ્ચે તણાવ કોઈ કામનો નથી. સંબંધો પરસ્પર સમ્માન અને પડોશી સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ. કાબૂલ કરારની તમામ શરતોને લઈને સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. જો પાકિસ્તાન પોતાની જવાબદારીને પૂરી નહીં કરે, તો મૂંજવણ ઊભી થશે.” યાકૂબે કતર અને તુર્કિયેને ઇસ્લામાબાદ અને કાબૂલ વચ્ચે સંધી કરાવવામાં મદદ કરવાની અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો : અફઘાનિસ્તાને નવી દિલ્હીમાં એમ્બેસીની કામગીરી બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી, ભારત પર લગાવ્યા આરોપ
ઉલ્લેખનીય છે કે દોહામાં 19 ઓક્ટોબર, 2025ના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કતર અને તુર્કીયેની મધ્યસ્થી હેઠળ વાટાઘાટોનો એક દોર યોજાયો હતો. આ વાટાઘાટો દરમિયાન, બંને પક્ષો વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ (Ceasefire) પર સહમતિ સધાઈ હતી, અને બંને દેશો વચ્ચે સ્થાયી શાંતિ અને સ્થિરતાને મજબૂત કરવા માટેની પદ્ધતિઓ સ્થાપિત કરવા પર પણ સંમતિ બની હતી. અહેવાલો અનુસાર, હવે બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે આગામી વાટાઘાટો 25 ઓક્ટોબરે ઇસ્તંબુલમાં યોજાશે.