અફઘાનિસ્તાનના આકરા તેવર, પાકિસ્તાન રક્ષા મંત્રી સહિત ચાર લોકોના વિઝા નકાર્યા

ઇસ્લામાબાદ : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પાકિસ્તાનને આંચકો લાગ્યો છે. જેમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનના એક હાઈ લેવલ ડેલીગેશનની સત્તાવાર મુલાકાતની અપીલને રદ કરી દીધી છે. પાકિસ્તાન વતી રક્ષા મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફ, આઈએસઆઈ પ્રમુખ અસીમ મલિક અને બે પાકિસ્તાન જનરલે ત્રણ અલગ અલગ વિઝા રિક્વેસ્ટ મોકલી હતી. જેને અફઘાનિસ્તાને નકારી દીધી છે.
હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
અફઘાનિસ્તાને પાકિસ્તાન દ્વારા તાજેતરમાં થયેલા હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન અને પક્તિકા પ્રાંતમાં નાગરિક વિસ્તારો પર થયેલા હવાઈ હુમલાઓનો ઉલ્લેખ કર્યો છે. પાકિસ્તાની પ્રતિનિધિમંડળમાં રક્ષા મંત્રી મુહમ્મદ આસિફ, આઈએસઆઈ ના ડિરેક્ટર અસીમ મલિક અને બે વરિષ્ઠ પાકિસ્તાની જનરલો સામેલ હતા. મીડિયા અહેવાલ મુજબ ફક્ત આ ચાર સભ્યોએ વિઝા અરજી સબમિટ કરી હતી.
સંબંધો તણાવપૂર્ણ બન્યા
જોકે, કાબુલે અફઘાનિસ્તાનની મુલાકાત લેવાની તેમની વિનંતીઓને સતત નકારી કાઢી છે. આ દરમિયાન સરહદ પારની ઘટનાઓ અને આતંકવાદીઓને આશ્રય આપવાના પરસ્પર આરોપોને પગલે બંને પડોશીઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.