શર્માના અભિષેક પછી વર્માનું તિલક, ધમાકેદાર બૅટિંગમાં ભારતના 219/6…
સેન્ચુરિયનઃ ભારતે અહીં સાઉથ આફ્રિકા સામેની ચાર મૅચવાળી સિરીઝની ત્રીજી ટી-20માં બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 219 રન બનાવીને યજમાન ટીમને 220 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. અભિષેક શર્મા (50 રન, પચીસ બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને તિલક વર્મા (107 અણનમ, 56 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) વચ્ચે 107 રનની બીજી વિકેટ માટેની ભાગીદારીએ ટીમ ઇન્ડિયાના તોતિંગ ટોટલનો પાયો નાખ્યો હતો. બાવીસમી આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર તિલક વર્મા 51 બૉલમાં પ્રથમ સદી ફટકારવામાં સફળ થયો હતો.
આ પણ વાંચો : Parthiv Patel બન્યો ગુજરાત ટાઈટન્સનો બેટિંગ કોચ અને આસિસ્ટન્ટ
પ્રથમ મૅચનો સેન્ચુરિયન સંજુ સૅમસન બીજી મૅચ પછી હવે ત્રીજી મૅચમાં પણ ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તે ફાસ્ટ બોલર યેનસેનના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો.
કૅપ્ટન સૂર્યકુમાર (એક રન), હાર્દિક (18 રન) અને રિન્કુ (આઠ રન) સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હતા.
સાઉથ આફ્રિકાના સિમલેન અને કેશવ મહારાજે બે-બે વિકેટ લીધી હતી.
ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. પેસ બોલર આવેશ ખાનના સ્થાને પેસ બોલિંગ ઑલરાઉન્ડર રમણદીપ સિંહને ટીમમાં સમાવવામાં આવ્યો હતો. રમણદીપ 27 વર્ષનો છે અને ફક્ત ચાર ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો છે. એમાં તેણે 167 રન બનાવ્યા છે, પરંતુ એક પણ વિકેટ નથી લઈ શક્યો.
આ પણ વાંચો : જુનિયર તેન્ડુલકરની ઇન્તેજારીનો અંત…રણજીમાં મેળવી વિરલ સિદ્ધિ…
ભારત અને સાઉથ આફ્રિકા એક-એક મૅચ જીતી ચૂક્યા હોવાથી ચાર મૅચની સિરીઝ 1-1ની બરાબરીમાં રહ્યા બાદ બન્ને ટીમ ત્રીજી મૅચ જીતવાના આશય સાથે મેદાન પર ઊતરી હતી.