એક એવો વર્લ્ડકપ કે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે…
હાલમાં જ ક્રિકેટ વર્લ્ડકપ યોજાઈ ગયો અને આપણે અત્યાર સુધી હોકી વર્લ્ડકપ, ફૂટબોલ વર્લ્ડકપ વગેરે વિશે સાંભળ્યું જ હશે પણ આજે અમે અહીં તમને એક એવા વર્લ્ડકપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે. જી હા, આ વર્લ્ડકપ છે કચરા વર્લ્ડકપ. આ વર્લ્ડકપ પણ અન્ય વર્લ્ડકપની જેમ જ રમાય છે અને તેમાં દરેક દેશના ખેલાડીઓ ભાગ લે છે અને મજાની વાત તો એ છે આ વર્લ્ડકપમાં ભાગ લેનારા ખેલાડીઓ કચરો ઉઠાવે છે.
આ એક અનોખા પ્રકારની રમત છે અને એની શરૂઆત જાપાનમાં કરવામાં આવી હતી જેનું નામ રાખવામાં આવ્યું છે સ્પોગોમી વર્લ્ડકપ. સ્પોગોમી એ એક જાપાની વર્લ્ડકપ છે અને એનો અર્થ થાય છે કચરો એકઠો કરવો. હાલમાં આ વર્લ્ડકપ યોજાયો હતો અને એમાં 21 દેશના લોકોએ ભાગ લીધો હતો. હવે તમને થશે કે આ વર્લ્ડકપ યોજવાનો અર્થ શું અને એને કારણે શું ફાયદો થાય છે તો તમારી જાણ માટે કે આ રમતના માધ્યમથી પૂરી દુનિયામાં સાફ-સફાઈ અને પર્યાવરણ વિશે લોકોમાં જાગરૂક્તા લાવવાનો છે.
આ વખતે વર્લ્ડકપમાં 21 દેશોઓ ભાગ લીધો હતો અને વર્લ્ડકપ જીત્યું હતું બ્રિટેન. આ રમત દરમિયાન બધી ટીમોએ 1208 પાઉન્ડ કચરો એકઠો કર્યો હતો અને સૌથી મહત્ત્વની વાત હતી કે તેમણે આ કચરો શહેરોમાંથી એકઠો કરવાનો હતો એટલે કે કોઈ પણ પ્રાઈવેટ પ્રોપર્ટીમાંથી તમે કચરો ઉઠાવી શકશો નહીં. બ્રિટેનના ખેલાડીઓ આ રમતમાં સૌથી આગળ રહ્યા હતા અને તેમણે 20 મિનિટમાં સૌથી વધુ કચરો એકઠો કર્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે આ રમતનું આયોજન નિપ્પોન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને હવે ફરી 2025માં આ વર્લ્ડકપ ટોક્યોમાં રમાશે.
એક સ્થાનિક અખબાર સાથે વાત કરતાં જાપાની ટીમના એક સભ્ય ટોમો તાકાહાશીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ નિરાશાજનક છે કે અમે આ વર્લ્ડકપ હારી ગયા. અમે આ હારને નહીં ભૂલીએ અને 2025માં ટોક્યોમાં યોજાનારા વર્લ્ડકપમાં અમે જીતીને દેખાડીશું. આ સાથે સાથે જ તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી આ રમત વિશે જાણ્યા બાદ દુનિયાભરથી લોકો પર્યાવરણ અને સાફસફાઈના મુદ્દા અંગે જાગરૂક થશે.