લોસ એન્જેલસમાં ઉડતા વિમાનના એન્જિનમાં આગ ભભૂકી, ઈમરજન્સી લેન્ડિંગથી મોટી દુર્ઘટના ટળી

લોસ એન્જેલસ: અમદાવાદમાં 12 જૂનના થયેલ એર ઈન્ડિયા ફ્લાઈટ ક્રેશ બાદ પ્લેન મુસાફરને લઈ સુરક્ષા પ્રશ્ન ઉભા થયા છે. આ ઘટના બાદ પણ ઘણી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી જેવી વિવિધ સમસ્યાને લઈ ફ્લાઈટને ડાયવર્ટ કે પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવવાની ફરજ પડી હોવાની ઘટનાઓ સામે આવી હતી. આ વચ્ચે લોસ એન્જેલસથી અટલાન્ટા જઈ રહેલા ડેલ્ટા એરલાઇન્સના બોઇંગ વિમાનના એન્જિનમાં ટેકઓફ બાદ આગ લાગવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો. આ ઘટના બાદ ફ્લાઇટ DL 446ની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને વિમાનને સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતારી લેવામાં આવ્યું હતું.
અહેવાલો પ્રમાણે ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ ડીએલ 446એ લોસ એન્જેલસના ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ કરી હતી. ટેકઓફ કર્યા બાદ ફ્લાઈટના ડાબા એન્જિનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એન્જિનમાંથી ધુમાડો નીકળતો દેખાય છે. ટેકઓફ બાદ તરત જ ક્રૂ મેમ્બર્સે પરિસ્થિતિની ગંભીરતા જોઈને ઇમરજન્સી જાહેર કરી અને વિમાનને પાછું એરપોર્ટ તરફ વાળવાનું નક્કી કર્યું હતુ.
ઘટનાની જાણ થતાની સાથે લોસ એન્જેલસ એરપોર્ટ પર ટ્રાફિક કંટ્રોલે ગ્રાઉન્ડ પર લેન્ડિંગ માટે માર્ગદર્શન કરવા સાથે તમામ ઈમરજન્સી સેવાઓને તૈનાત કરી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે આ વિમાને પેસિફિક ઉપર થોડો ચક્કર લગાવ્યો અને પછી ડોની અને પેરામાઉન્ટ વિસ્તારમાંથી નીચે ઉતરવાનું શરૂ કર્યું. આ દરમિયાન વિમાનની ગતિ અને ઊંચાઈ સંપૂર્ણ નિયંત્રણમાં હતી. અંતે ફ્લાઈટે સુરક્ષિત રીતે ઈમજન્સી લેન્ડિંગ કર્યું હતું.
પાયલોટ અને ક્રૂ મેમ્બર્સેની સમયસૂચન અને કુશળતાથી વિમાનને સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડિંગ કર્યુ હતું. હાલમાં કોઈ મુસાફર કે ક્રૂ સભ્યના ઘાયલ થવાના સમાચાર નથી મળ્યા. જો કે આ ઘટના બનવા પાછળના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એન્જિનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઘટનાએ એવિએશન સલામતી પર ફરી એકવાર ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો…Video: ઈરાકના અલ-કુત શહેરમાં મોલમાં વિકરાળ આગ, 60થી વધુના મોત