આઇસલેન્ડમાં 14 કલાકમાં 800 ભૂકંપના આંચકા, જ્વાળામુખી વિસ્ફોટની સંભાવના
રેકજાવિક: આઇસલેન્ડના દક્ષિણપશ્ચિમ રેકજેનેસ દ્વીપકલ્પમાં શુક્રવારે શ્રેણીબદ્ધ શક્તિશાળી ધરતીકંપ આંચકાઓ આવવાને કારણે સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ આંચકાઓ જ્વાળામુખી ફાટી નીકળવાના પૂર્વગામી સંકેતો તરીકે જોવામાં આવી રહ્યા છે.
સરકારના નાગરિક સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાપન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્રિંડાવિકની ઉત્તરે તીવ્ર ભૂકંપ હલચલને કારણે રાષ્ટ્રીય પોલીસ વડા નાગરિક સંરક્ષણ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરે છે. ભૂકંપના આંચકાઓ આવ્યા છે તેના કરતા વધુ તીવ્ર આંચકાઓ આવી શકે છે. જે જ્વાળામુખી વિસ્ફોટ તરફ દોરી જઈ શકે છે. વહીવટી તંત્રએ આગામી કેટલાક દિવસોમાં જ્વાળામુખી વિસ્ફોટ થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે મધ્યરાત્રિથી બપોરના 2 વાગ્યા સુધીમાં લગભગ 800 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉપરાંત ઓક્ટોબરના અંતથી દ્વીપકલ્પ પર લગભગ 24,000 આંચકા નોંધાયા છે.
ગ્રિંડાવિકની ટાઉનમાં લગભગ 4,000 લોકો વસે છે. જ્યાં શુક્રવારના રોજ ભૂકંપના આંચકાઓનું કેન્દ્ર હતું ત્યાંથી આ ટાઉન લગભગ ત્રણ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં આવેલું છે. જ્વાળામુખી વિસ્ફોટના કિસ્સામાં તેની પાસે ખાલી કરાવવાની યોજના છે. ગ્રિંડાવિકમાં તેમજ દક્ષિણ આઇસલેન્ડમાં અન્ય ત્રણ સ્થળોએ કટોકટી આશ્રયસ્થાનો અને મદદ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.
રાજધાની રેકજાવિકથી લગભગ 40 કિલોમીટર દૂર પણ બે જોરદાર ધરતીકંપના આંચકા આવ્યા હતા. દેશના મોટા ભાગના દક્ષિણ કિનારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
2021 થી, રેકજેનેસ દ્વીપકલ્પ પર માર્ચ 2021, ઓગસ્ટ 2022 અને જુલાઈ 2023 માં ત્રણ જ્વાળામુખી વિસ્ફોટ થઇ ચુક્યા છે. આઇસલેન્ડમાં 33 સક્રિય જ્વાળામુખી પ્રણાલીઓ છે, જે યુરોપમાં સૌથી વધુ છે. એપ્રિલ 2010માં આઇસલેન્ડ દક્ષિણે આવેલા ટાપુ પર જ્વાળામુખી વિસ્ફોટ થતા પશ્ચિમ યુરોપની લગભગ 1,00,000 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી, જેનાથી એક કરોડથી વધુ પ્રવાસીઓ ફસાયા હતા.