કતારમાં 8 ભારતીયોને સજા: વિદેશ મંત્રાલય પાસે છોડાવવા માટે કયા કયા વિકલ્પો?
કતારની એક અદાલતના એક ચુકાદાએ ભારત અને કતાર વચ્ચેના સંબંધો કાયમ માટે વણસી જાય તેવા સંજોગો ઉભા કર્યા છે. 8 ભારતીય નેવી ઓફિસરોને ફાંસીની સજા સંભળાવતા જ કતારમાં રહેતા ભારતીયોની સલામતિ પર પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે પ્રેસ રિલીઝ જાહેર કરીને કતારના ઉચ્ચ અધિકારીઓ સામે મુદ્દો ઉઠાવવાની વાત કરી છે તેમજ અન્ય કાયદાકીય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે ફાંસીની સજાનો નિર્ણય કતારની નીચલી કોર્ટે આપ્યો છે, જેનો અર્થ એ થાય છે કે આ નિર્ણય સામે ઉપલી અદાલતમાં અપીલ કરી શકાય છે. વધુ એક વિકલ્પ છે ભારત અને કતાર વચ્ચે વર્ષ 2015માં થયેલો એક કરાર જેની હેઠળ કોઇ નાગરિકને કતાર અથવા કતારના કોઇ નાગરિકને ભારતમાં સજા થઇ હોય તો તેમનું પ્રત્યાર્પણ થઇ શકે છે જ્યાં તેઓ પોતાની બાકીની સજા પૂરી કરી શકે છે. જો કે ભારત આ વિકલ્પનો ઉપયોગ કરવા ઇચ્છે તો તે એટલું સરળ નહિ હોય. કારણકે સૌથી પહેલા તો ભારતે એ માનવું પડશે કે સજા પામેલા અધિકારીઓ ખરેખર દોષિત છે. જે દેશની આબરુ માટે અત્યંત નુકસાનકારક સાબિત થઇ શકે એમ છે.
કેનેડા પણ ભારતના રાજદ્વારીઓ પર જાસૂસીનો આરોપ લગાવી ચુક્યુ છે. અગાઉ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય સેનાના અધિકારી કુલભૂષણ જાદવ પર પણ પાકિસ્તાને જાસૂસીના જ આરોપો લગાવ્યા હતા. ભારત કતારના અધિકારીઓ પરના આરોપોને માની લે તો પાકિસ્તાનની ઘટનાને સમર્થન મળી શકે છે. વૈશ્વિક સ્તરે માંડ માંડ ભારતની પ્રતિષ્ઠા વધી છે ત્યારે પોતાના અધિકારીઓ જાસૂસ હતા તેવું ભારત કદાપિ સ્વીકારી નહિ શકે.
ન તો ભારતના વિદેશખાતાએ, ન તો કતારે આરોપો અંગે કોઇ ભારપૂર્વકની ચોખવટ કરી છે. અધિકારીઓએ ક્યારે, કઇરીતે જાસૂસી કરી હતી તેનો કોઇ વિગતવાર ઉલ્લેખ નથી. એવામાં શક્ય છે કે અન્ય કોઇ આરોપો ઘડવામાં આવે, જો તે જાસૂસીના આરોપો ન હોય તો કદાચ તેમને છોડાવવાની કામગીરી સરળ બની શકે. જો કે કેદીઓનું પ્રત્યાર્પણ પણ ત્યારે જ શક્ય બને જ્યારે કતારની સરકાર એ પ્રસ્તાવને મંજૂરી આપે.
કતાર તેના કેદીઓને માફી પણ આપે છે. પણ આવું ફક્ત વર્ષમાં 2 વાર થાય છે. એક રમજાન ઇદના દિવસે અને એક કતારના રાષ્ટ્રીય દિવસ 18 ડિસેમ્બરે. કતારમાં જે થયું એ ઘટના એક અત્યંત જટિલ ભૌગોલિક રાજકીય સ્થિતિ છે જેમાં ભારતની વિદેશનીતિની ખરેખરી પરીક્ષા થવાની છે.