'લાડી લાખની નહિ પણ અબજોની' ૭૪ વર્ષના વૃદ્ધે ૨૪ વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, ૧.૮ કરોડનો દહેજ આપી રાતોરાત છવાયા! | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

‘લાડી લાખની નહિ પણ અબજોની’ ૭૪ વર્ષના વૃદ્ધે ૨૪ વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, ૧.૮ કરોડનો દહેજ આપી રાતોરાત છવાયા!

જાકાર્તા: ગુજરાતના દિગ્ગજ સુપરસ્ટાર નરેશ કનોડિયાનું ફિલ્મ ‘લાડી તો લાખની સાયબો સવા લાખનો”થી આપણે સૌ પરિચિત જ છીએ પરંતુ ઇન્ડોનેશિયાના પૂર્વી જાવાનામાં તાજેતરમાં થયેલા એક અનોખા લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ૭૪ વર્ષીય વરરાજા તારમાન અને ૨૪ વર્ષીય દુલ્હન શેલા અરિકા વચ્ચેના ૫૦ વર્ષના મોટા તફાવતને કારણે આ લગ્ન સ્થાનિક અને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. આ લગ્ન ૧ ઓક્ટોબરના રોજ સંપન્ન થયા હતા.

લગ્નમાં ૧.૮ કરોડ રૂપિયાનો ‘બ્રાઇડ પ્રાઇસ’

વરરાજા તારમાને લગ્ન દરમિયાન જાહેરમાં તેની દુલ્હનને ત્રણ અબજ ઇન્ડોનેશિયન રૂપિયો એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે રૂ. ૧.૮ કરોડનો દહેજ આપવાની જાહેરાત કરી હતી. શરૂઆતમાં આ રકમ એક અબજ રૂપિયો હોવાનું કહેવાયું હતું, પરંતુ લગ્ન સમારોહમાં અચાનક તે વધારીને ત્રણ અબજ રૂપિયો કરી દેવાઈ હતી, જેણે મહેમાનોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ ભવ્ય સમારોહમાં મહેમાનોને પરંપરાગત ભેટને બદલે આશરે રૂ. ૬,૦૦૦ રોકડા આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

લગ્ન બાદ ‘હિટ એન્ડ રન’નો ડ્રામા

આ શાહી લગ્નની ઉજવણી બાદ એક મોટો વિવાદ સર્જાયો હતો. લગ્નના ફોટોગ્રાફી કરનારી ટીમે જાહેરમાં એવો આરોપ મૂક્યો કે આ કપલ પેમેન્ટ કર્યા વગર જ ગાયબ થઈ ગયું અને તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. એટલું જ નહીં, કેટલીક રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો કે વૃદ્ધ વરરાજા તારમાન દુલ્હનના પરિવારની મોટરસાયકલ લઈને પણ ફરાર થઈ ગયો છે! ફોટોગ્રાફી કંપનીની ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ દહેજની રકમ અને ચેકની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા હતા.

વરરાજા અને પરિવારે આપી સફાઈ

વિવાદ વધતા વરરાજા તારમાને સોશિયલ મીડિયા પર નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું, “મેં મારી પત્નીને છોડી નથી, અમે હજુ પણ સાથે છીએ. ત્રણ અબજ રૂપિયોનો દહેજ અસલી છે અને તેને બેન્ક સેન્ટ્રલ એશિયા દ્વારા સમર્થન મળેલું છે.” દુલ્હનના પરિવારે પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે આ કપલ ભાગી નથી ગયું, પરંતુ હનીમૂન માટે ગયું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button