પાકિસ્તાનમાં 7 પંજાબીઓની હત્યા; પહેલા આઈકાર્ડ તપાસ્યું પછી ગોળી મારી…

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઘણી વખત આતંકવાદી ઘટનાઓ ઘટી ચૂકી છે. હવે ફરી એકવાર સ્થાનિક આતંકવાદીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જાતિગત હુમલામાં 7 પંજાબીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
Also read : લેન્ડિંગ વખતે પલટી ખાઈ ગયું વિમાન, 19 લોકો ઘાયલ
બલુચિસ્તાનના બરખાન જિલ્લાનો બનાવ
પ્રાપ્ત વિગતો અનુસાર, દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં લાહોર જઇ રહેલી એક બસ પર અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો અને સાત મુસાફરોને બસમાંથી ઉતારી ગોળી મારી હત્યા કરાઇ હતી. આ હુમલો દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાનના બરખાન જિલ્લામાં થયો હતો. અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે આવેલો આ પ્રાંત અલગતાવાદી બળવાખોરો સામે પાકિસ્તાનના દાયકાઓ જૂની લડાઇમાં એક મહત્વપૂર્ણ યુદ્ધક્ષેત્ર છે.
આઇડી કાર્ડ તપાસ્યા બાદ કરી હત્યા
એક વરિષ્ઠ વહીવટી અધિકારી, ડેપ્યુટી કમિશનર વકાર ખુર્શીદ આલમે જણાવ્યું હતું કે, “લગભગ 40 સશસ્ત્ર માણસોના એક ગ્રુપે ઘણી બસો અને વાહનો રોક્યા હતા. બાદમાં તમામના આઇડી કાર્ડ તપાસ્યા હતા. પછી બસમાંથી સાત મુસાફરોને ઉતાર્યા હતા અને તેમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.” આ હુમલામાં 7 પંજાબીઓ માર્યા ગયા અને છ લોકો ઘાયલ થયા હતા.
Also read : નેપાળની વિચિત્ર ઘટનામાં ખુદ ડેપ્યુટી પીએમ થયા ઘાયલ, હૉસ્પિટલ દોડ્યા
સાતેય પીડિતો પંજાબ પ્રાંતના
આલમે જણાવ્યું હતું કે, સાતેય પીડિતો મધ્ય પંજાબ પ્રાંતના હતા. આ વિસ્તારના સહાયક કમિશનર ખાદિમ હુસૈને જણાવ્યું હતું કે હત્યાઓ બરખાનને દક્ષિણ પંજાબ શહેર ડેરા ગાઝા ખાન સાથે જોડતા હાઇવે પર થઈ હતી. આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી અને હત્યા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે પરંતુ હુમલાખોરો ભાગી ગયા છે.