ફિલિપાઇન્સમાં વહેલી સવારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીની ચેતવણી | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

ફિલિપાઇન્સમાં વહેલી સવારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીની ચેતવણી

મનીલા: પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સ્થિત દ્વીપસમૂહ દેશ ફિલિપાઇન્સની ધરતી આજે વહેલી સવારે ધણધણી ઉઠી હતી. ફિલિપાઇન્સના મિંડાનાઓમાં રિક્ટર સ્કેલ પર 7.4 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. ભૂકંપને કારણે સુનામી આવવાની શક્યતા છે. તંત્રએ લોકોને તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે.

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર(EMSC) એ આપેલી જાણકારી મુજબ ભૂકંપ 62 કિમી (38.53 માઇલ) ની ઊંડાઈએ હતો. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ આપેલી જાણકારી મુજબ સુનામીના શરૂઆતના મોજા 10 ઓક્ટોબર 2025ના રોજ સ્થાનિક સમય મુજબ સવારે 4:43 થી 11:43 વચ્ચે દરિયાકાંઠે પહોંચી શકે છે.

સુનામીની ચેતવણી:

સુનામીના મોજા કલાકો સુધી ચાલુ રહી શકે છે. સામાન્ય ભરતી કરતા એક મીટરથી વધુ ઊંચા મોજા આવી શકે છે, જ્યારે બંધ ખાડીઓમાં વધુ ઊંચા મોજા આવી શકે છે.

પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરના જણાવ્યા મુજબ કંપના કેન્દ્રથી 300 કિલોમીટર માઇલ સુધી સુનામીના ખતરનાક મોજા આવી શકે છે. મધ્ય અને દક્ષિણ ફિલિપાઇન્સના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચા સ્થળોએ પહોંચવા કહેવામાં આવ્યું છે.

ઇન્ડોનેશિયાના ઉત્તરીય સુલાવેસી અને પાપુઆ પ્રાંતમાં પણ સુનામીના મોજા પહોંચી શકે છે.

લોકોના ફફડાટ:

ભૂકંપને કારણે તાત્કાલિક નુકશાનના કોઈ અહેવાલ નથી. જોરદાર ભૂકંપ બાદ ભૂકંપ બાદ આફ્ટરશોક્સની ચેતવણી આપવામાં છે. ભૂકંપને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા કેટલાક વીડિયોમાં લોકોમાં ઇમારતો બહાર ભાગતા જોવા મળે છે.

ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં ગયા અઠવાડિયે 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે 74 લોકોના મોત નીપજ્યા હતાં અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો…તુર્કીયેની ધરતી ફરી ધણધણી: મોડી રાત્રે આવ્યો આટલી તીવ્રતાનો ભૂકંપ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button