રમઝાનનો લોહિયાળ પ્રારંભ: ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલામાં 67 પેલેસ્ટીનીના મોત
રફાહ: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો અંત દેખાતો નથી ત્યારે ગાઝા પટ્ટીમાં સોમવારથી રમઝાનના પવિત્ર માસ નિમિત્તે રોજાની શરૂઆત થઈ છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના દબાણને કારણે ખાદ્ય સામગ્રીની અછતને કારણે ભૂખમરાની સ્થિતિ વણસી છે. બીજી તરફ ઈઝરાયલ પર માનવતાના ધોરણે ઢીલ મૂકવાનું દબાણ વધી રહ્યું છે.
અમેરિકા, કતાર અને ઈજિપ્તે રમઝાનના રોજા ચાલુ થાય તે પહેલાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ઈઝરાયલના બંદીઓને મુક્ત કરવાની અને તેની સામે પેલેસ્ટાઈનના કેદીઓને મુક્ત કરવાની વાત હતી. આ ઉપરાંત માનવતાના ધોરણે સહાય સામગ્રી પહોંચવા દેવાની વાત હતી, પરંતુ યુદ્ધવિરામની વાતો ગયા સપ્તાહે સ્થગિત થઈ ગઈ હતી.
ગાઝાના આરોગ્ય અધિકારીએ એવી માહીતી આપી હતી કે ઈઝરાયલી હુમલામાં મૃત્યુ પામેલા ઓછામાં ઓછા 67 લોકોને છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલોમાં લાવવામાં આવ્યા હતા. જેને પગલે યુદ્ધ શરૂ થયું ત્યારથી પેલેસ્ટાઈનના પક્ષે મરણાંક 31,112 પર પહોંચ્યો છે. મંત્રાલય ગણતરી કરતી વખતે નાગરિકો અને લડવૈયા વચ્ચે કોઈ ફરક કરતી નથી, પરંતુ તેમનું કહેવું છે કે મહિલાઓ અને બાળકોની સંખ્યા મૃતકોમાં બે-તૃૃતીયાંશ છે.
યુદ્ધની શરૂઆત હમાસના નેતૃત્વ હેઠળના ઉગ્રવાદીઓએ દક્ષિણ ઈઝરાયલ પર સાતમી ઓક્ટોબરે હુમલો કરીને 1,200 લોકોને મારી નાખ્યા અને 250 લોકોને અપહૃત કરીને બંદી બનાવ્યા ત્યારે થઈ હતી. મૃતકોમાં મોટા ભાગના સામાન્ય નાગરિકો હતા. હમાસે હજી સુધી 100 જેટલા લોકોને બંદી બનાવી રાખ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે. કેટલાક બંદીને તેમણે મુક્ત કર્યા હતા.
પાંચ મહિનાના યુદ્ધમાં ગાઝાના 23 લાખ લોકોમાંથી 80 ટકા લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે અને સેંકડો હજારો દુકાળમાં ધકેલાઈ જવાની આશંકા છે.
(પીટીઆઈ)