26 વર્ષીય એડલ્ટ સ્ટાર સોફિયાનું નિધન, અઠવાડિયા પહેલા ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી
એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 26 વર્ષની એડલ્ટ સ્ટાર સોફિયા લિયોન હવે આ દુનિયામાં નથી. તે મિયામીની રહેવાસી હતી. એક અઠવાડિયા પહેલા તે તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સોફિયા લિયોનના મૃત્યુને કારણે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાઇ ગયું છે. માત્ર 26 વર્ષની વયે તેમના આકસ્મિક અવસાનના સમાચારે બધાને અવાચક બનાવી દીધા છે. સોફિયાના પિતા માઈક રોમેરોએ GoFundMe દ્વારા એક નિવેદન જારી કરીને તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. માઈક રોમેરો કહે છે કે સોફિયા માત્ર સારી પુત્રી જ નહીં, પરંતુ એક સારી પૌત્રી, બહેન અને મિત્ર પણ હતી.
નોંધનીય છે કે પહેલી માર્ચે સોફિયા તેના ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. સ્થાનિક પોલીસે મોતની તપાસ શરૂ કરી છે. જો કે તેના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સોફિયાનું મોત કેમ અને કેવી રીતે થયું, આવા અનેક સવાલોના જવાબ આવવાના બાકી છે.
સોફિયાના પિતાએ તેના વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમની દીકરી ઘણી જ ખુશમિજાજ અને જિંદાદિલ હતી. તેને પ્રાણીઓ પર વિશેષ લગાવ હતો. એ ફરવાની ઘણી શોખીન હતી. ટ્રાવેલ તેની ફેવરિટ હોબી હતી. એ જ્યાં પણ જતી ત્યાંનું વાતાવરણ ખુશનુમા થઇ જતું. તે હંમેશા લોકોને હસાવતી રહેતી હતી.
પોતાની મહેનતના આધારે સોફિયાએ ખૂબ જ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. તે તેના ફેન્સ માટે કંઈકને કંઇક પોસ્ટ કરતી રહેતી હતી. ત્રણેક અઠવાડિયા પહેલા તેણે મિત્રો સાથે પાર્ટી કરતી વખતે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેના ચહેરા પરનું સ્મિત જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સોફિયા હવે આપણી વચ્ચે નથી. મળતી માહિતી અનુસાર સોફિયાએ 18 વર્ષની ઉંમરે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ઘણી દયાળુ વ્યક્તિ હતી અને ઉદારતાથી લોકોનું દિલ જીતી લેતી હતી.