ઇટાલીના વેનિસમાં ઓવરબ્રિજ પરથી બસ 100 ફૂટ નીચે ખાબકી, આગ લાગતા 21ના મોત
ઇટાલીના વેનિસમાં મંગળવારની રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મિથેન ગેસથી ચાલતી એક બસ એક ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી હતી, દરમિયાન બસ વિજળીના તારના સંપર્કમાં આવતા આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં બે બાળકો અને કેટલાક વિદેશીઓ સહિત કુલ 21 લોકોના મોત થયા છે, જયારે 18 લોકો ઘાયલ થયા છે. 15 લોકોને જીવિત બચાવી શકાયા હતા. શહેરના મેયર લુઇગી બ્રુગનારોએ ફેસબુક પર અકસ્માતની જાણકારી આપી હતી.
અહેવાલો મુજબ, જ્યારે મુસાફરોથી ભરેલી બસ કેમ્પિંગ ગ્રાઉન્ડ તરફ જઈ રહી હતી. ઇટાલિયન શહેર મેસ્ત્રે અને માર્ગેરા જિલ્લાઓને જોડતા રેલવે લાઇન પરના ઓવરબ્રિજ પરથી બસ નીચે પડી હતી, બસ રેલવે લાઈનના વિજળીના તાર સાથે સંપર્કમાં આવી હતી, જે બાદમાં બસમાં રહેલા મીથેન ગેસને કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વેનિસ સિટી કાઉન્સિલર રેનાટો બોરાસોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ 40 વર્ષીય બસ ડ્રાઈવર અકસ્માત પહેલા જ બીમાર હતો.
દેશના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, મેસ્ત્રે વિસ્તારમાં થયેલા ગંભીર અકસ્માત અંગે હું મારી અંગત અને સરકાર તરફથી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમારી ભાવના પીડિતો અને તેમના પરિવાર અને મિત્રો સાથે છે. હું આ દુર્ઘટના પર નજર રાખવા મેયર લુઇગી બ્રુગનારો અને પરિવહન પ્રધાન માટ્ટેઓ સાલ્વિનીના સંપર્કમાં છું.
વેનિસ પ્રદેશના ગવર્નર લુકા ઝૈયાએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે અને 20 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. પીડિત અને ઘાયલોમાં માત્ર ઇટાલીના લોકો જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોના લોકો પણ સામેલ છે.