પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ બ્લાસ્ટમાં 2ના મોત, 1 ઘાયલ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને અન્ય એક ઘાયલ થયો છે. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે. આ ઘટના બોર્ડ બજાર, નાસિર બાગ રોડ પેશાવરમાં બની હતી જ્યાં એક મોટરસાઇકલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. મૃતદેહો અને ઘાયલોને ખૈબર ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટ સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર વિસ્ફોટક વિસ્તારમાં પાર્ક કરાયેલી એક મોટરસાઇકલમાં મૂકવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે વિસ્ફોટ સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. પેશાવરના વરિષ્ઠ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે કાઉન્ટર ટેરરિઝમ વિભાગ અને કાયદા અમલીકરણ એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્ફોટના પુરાવા એકત્ર કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, તેઓને સ્થળ પર એક ક્ષતિગ્રસ્ત બાઇક પણ મળી હતી. જો કે, આ વિસ્ફોટ અંગે હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.
વિસ્ફોટને લઈને પાકિસ્તાનના સીએમ ઓફિસ દ્વારા પણ નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાને પોલીસ પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ વિસ્ફોટની આકરી નિંદા કરી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પીએમએ ઘાયલોની તાત્કાલિક સારવાર કરવાનો આદેશ આપ્યો છે.