પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 2 વિસ્ફોટ, ત્રણના મોત સાથે 20 ઇજાગ્રસ્ત
કરાંચીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક થયેલા બે વિસ્ફોટમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટનાની જાણકારી આપી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ બ્લાસ્ટ સોમવારે ક્વેટા જિલ્લાના કુચલક વિસ્તારમાં એક મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. મસ્જિદમાં વિસ્ફોટ થયો ત્યારે લોકો મગરીબની નમાજ અદા કરી રહ્યા હતા.”
ALSO READ : પાકિસ્તાનમાં આતંકી હુમલાઃ 12 આતંકવાદી ઠાર અને છ પોલીસના જવાનનાં મોત
બીજો બ્લાસ્ટ સોમવારે ખુજદાર શહેરના ઓમર ફારૂક ચોકમાં થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે વિસ્તારમાં ભીડ હતી. અહીં મહિલાઓ અને બાળકો ઈદની ખરીદી માટે આવ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે, જ્યારે પાંચ અન્ય લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘાયલો અને મૃતદેહોને ખુજદાર ટીચિંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.
તેમણે કહ્યું કે બંને બોમ્બ વિસ્ફોટો મોટરસાઈકલમાં આઈઈડીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા. એવું લાગે છે કે મોટરસાઇકલ આઇઇડી રિમોટથી નિયંત્રિત કરવામાં આવી રહી હતી. કોઈપણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠને આ હુમલાઓની જવાબદારી લીધી નથી.