ગાઝામાં 23 લાખ લોકો ભોજન અને સારવારની ગંભીર કટોકટી હેઠળ: ડબલ્યુએચઓ

યુદ્ધને કારણે સંકટનો સામનો કરી રહેલા ગાઝાના રહેવાસીઓ માટે રાહત પુરવઠાનો સમાન ઇજિપ્તની સરહદથી રફાહના રસ્તે પહોંચી રહ્યો છે, પરંતુ ગીચ વસ્તીવાળા પ્રદેશમાં જરૂરિયાતની તુલનામાં આ મદદ અપૂરતી જણાઈ રહી છે. યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એન્ડ વર્ક એજન્સી(યુએનઆરડબ્લ્યુએ) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એ જણાવ્યું હતું કે 23 લાખ લોકો ખોરાક, પાણી, ઈંધણ અને દવાના પુરવઠા અછતને કારણે ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે.
બંને સંસ્થાઓએ ગાઝામાં અવિરત સહાય મોકલવા અપીલ કરી હતી. યુએનઆરડબ્લ્યુએ પેલેસ્ટાઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અહીં જે ટ્રકો આવી છે તે અપૂરતી છે. આ વિસ્તારમાં સૌથી વધુ જરૂરિયાત ઈંધણની છે, જેથી હોસ્પિટલો જનરેટર શરૂ થઈ શકે, બેકરીઓ શરુ થઇ શકે. હોસ્પિટલોમાં દવાઓ અને સાધનોનો પુરવઠો ગાઝાના ઉત્તર ભાગ સુધી પહોંચ્યો નથી.
ડબલ્યુએચઓ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં એક તૃતીયાંશ હોસ્પિટલો વધુ પડતા બોજ હેઠળ છે, જેથી યોગ્ય રીતે કામ થઇ શકતું નથી. અહીંના બે તૃતીયાંશ ક્લિનિક્સ બંધ છે. આ ક્ષેત્રમાં મોટી માત્રામાં માનવતાવાદી સહાય અત્યંત મહત્વપૂર્ણ છે.
હમાસના રોકેટ મારા બાદ ઇઝરાયેલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. 7 ઓક્ટોબરથી અત્યાર સુધી આ સંઘર્ષમાં સાડા છ હજારથી વધુ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ગાઝા પટ્ટીમાં લગભગ 5100 અને ઈઝરાયેલમાં 1400 લોકોએ જીવ ગુમાવ્યા છે.