179 મૃતદેહો એકસાથે દફનાવવામાં આવ્યા, ગાઝાની હોસ્પિટલમાં ગંભીર માનવીય કટોકટી
ઇઝરાયલી સેનાએ ગાઝામાં તબીબી સામાન અને ઇંધણનો પુરવઠો અવરોધિત કરી દીધો છે જેના કારણે હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફાના વડા મોહમ્મદ અબુ સલમિયાએ મંગળવારે જણાવ્યું હતું કે બાળકો સહિત લગભગ 179 લોકોને સંકુલની અંદર “સામૂહિક કબર” માં દફનાવવામાં આવ્યા હતા, જે યુદ્ધ સાથે તબીબી ક્ષેત્રે ઉભી થયેલા ગંભીર માનવીય કટોકટીને દર્શાવે છે.
હોસ્પિટલના ડિરેક્ટરે કહ્યું કે અમને મૃતકોને સામૂહિક કબરમાં દફનાવવાની ફરજ પડી હતી. હોસ્પિટલમાં ઇંધણ પુરવઠો પૂરો થતાં ICUમાં દાખલ સાત બાળકો અને 29 દર્દીઓના મોત થઇ ગયા, જેને સાથે જ દફનાવવામાં આવ્યા હતા. ઇંધણ પુરવઠો બંધ થવાને કારણે, મશીનો અને તબીબી ઉપકરણો ચાલતા નથી, જેના કારણે દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. જેમાં નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત આજે હોસ્પિટલમાંથી એક હૃદયદ્રાવક તસવીર સામે આવી હતી, હોસ્પિટલના લીલા કપડા ઓઢેલા સાત બાળકોને એકસાથે રાખવામાં આવ્યા હતા અને તેમના શરીર સાથે નળીઓ જોડાયેલી હતી. આ સાત બાળકોના પ્રિ-મેચ્યોર બર્થ થયા છે જેમનું વજન 1.5 કિલોથી ઓછું છે. આ બાળકોના શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે ઇન્ક્યુબેટરમાં રાખવાના હોય છે, પરંતુ પવાર સપ્લાય બંધ થવાને કારણે તેમને સામાન્ય પથારીમાં રાખવાની ફરજ પડી હતી. એકબીજાના શરીરમાંથી ગરમી મળતી રહે એટલા માટે તેમણે બાજુમાં રાખવાની ફરજ પડી હતી.
ઇઝરાયલી સેનાએ ગાઝામાં સામાન અને ઇંધણનો પુરવઠો અવરોધિત કરી દીધો છે અને મેડિકલ સ્ટાફ પણ હોસ્પિટલની અંદર ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
યુનાઈટેડ નેશન્સના અંદાજ મુજબ 10,000 થી વધુ દર્દીઓ, સ્ટાફ અને વિસ્થાપિત નાગરિકો અલ શિફાની અંદર હોઈ શકે છે અને નજીકમાં ભીષણ લડાઈને કારણે તેઓ બહાર પણ નીકળી શકે એમ નથી.
હોસ્પિટલો અને તબીબી કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ સુરક્ષિત છે. સંઘર્ષમાં સામેલ પક્ષોએ તેમના રક્ષણની ખાતરી કરવી જોઈએ. હોસ્પીટલની આસપાસ અથવા અંદરની કોઈપણ કાર્યવાહી દરમિયાન દર્દીઓ, સ્ટાફ અને અન્ય નાગરિકોનું રક્ષણ કરવું આવશ્યક છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ઇઝરાયલના હુમલામાં 11,240 લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો છે અને ઓછામાં ઓછા 40 ટકા બાળકો છે.