ફિલિપાઈન્સમાં 1.8 ટન ડ્રગ્સ પકડાયુંઃ રાષ્ટ્રપતિએ જાહેરાત કરતા કરી મોટી વાત

મનીલાઃ પોલીસે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં મેથામ્ફેટામાઈનનો સૌથી મોટો જથ્થો કોઈને માર્યા વિના જપ્ત કર્યો હતો. તેમણે આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિની ટીકા પણ કરી હતી, એમ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જૂનિયરે મંગળવારે જણાવ્યું હતું.
એક રિપોર્ટ અનુસાર પોલીસે એક વાનમાંથી સોમવારે લગભગ 1,630 કિલોગ્રામ (1.8 ટન) મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું અને મનીલાની દક્ષિણમાં બટાંગસ પ્રાંતના અલીટાટાગ શહેરમાં ચેકપોઇન્ટ પર તેના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. અન્ય શંકાસ્પદોની ધરપકડ કરવા માટે કામગીરી ચાલી રહી હતી. અધિકારીઓએ વધુ જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો. સ્થાનિકમાં શાબૂ તરીકે ઓળખાતા શક્તિશાળી નશીલા પદાર્થની કિંમત 13 બિલિયન પેસો (228 મિલિયન ડોલર) કરતાં વધુ છે.
આપણ વાંચો: નાલાસોપારામાં રૂ. 57.5 લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયનની ધરપકડ
માર્કોસે પત્રકારોને જણાવ્યું હતું કે આ શાબૂનો સૌથી મોટો જથ્થો છે જેને અમે જપ્ત કર્યો છે. પરંતુ એક પણ વ્યક્તિનું મોત થયું નથી. કોઇ પણ ફાયરિંગ કરાયું નથી. કોઇ ઘાયલ થયું નથી કારણ કે અમે ધીરે ધીરે કામ કર્યું છે. મારા માટે ડ્રગ યુદ્ધમાં આ અભિગમ હોવો જોઈએ અને સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય ફિલિપાઈન્સમાં ગેરકાયદે ડ્રગ્સની દાણચોરીને રોકવાનો છે નવી જપ્ત કરાયેલો ડ્રગ્સનો જથ્થો દેશની બહારથી આવ્યો છે.
2022ના મધ્યમાં પદ સંભાળનાર માર્કોસે તેમના અગાઉના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટે દ્વારા શરૂ કરાયેલ ગેરકાયદે ડ્રગ્સ પર કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ કહ્યું હતું કે તે અલગ રીતે કરવામાં આવશે અને ડ્રગના વ્યસનીઓને ફરીથી સામાન્ય બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ડુટેર્ટેએ શરૂ કરેલા ડ્રગ્સ વિરોધી અભિયાનમાં 6,000 થી વધુ ગરીબ શંકાસ્પદ ડ્રગ ડીલરો અથડામણમાં માર્યા ગયા હતા.
પોલીસના કહેવા પ્રમાણે માર્કોસના શાસનમાં ડ્રગના શંકાસ્પદોની હત્યાઓ ઘણી ઓછી થઈ છે, પરંતુ માનવ અધિકાર જૂથોએ સતત હત્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. માર્કોસે સોમવારે મનિલા સ્થિત વિદેશી સંવાદદાતાઓને જણાવ્યું હતું કે દુતેર્તે સાથેનો તેમનો સંબંધ “જટિલ” છે.