ભારત-પાકિસ્તાન મેચ પહેલા એક વ્યક્તિએ બનાવ્યો ગોલ્ડ વર્લ્ડ કપ
આ ખેલાડીને ભેટ આપવા માંગે છે

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ (2023)ની સૌથી રોમાંચક મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની ટક્કર નિહાળવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચાહકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે. લોકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પોતાના આ ઉત્સાહને દર્શાવવા માટે અમદાવાદના એક ઝવેરીએ અનોખું કામ કર્યું છે આ ઝવેરીએ 0.9 ગ્રામ વજનની ગોલ્ડ વર્લ્ડ કપની ટ્રોફી બનાવી છે. આ ગોલ્ડ ટ્રોફી બનાવનાર જ્વેલરનું નામ રઉફ શેખ છે. શેખે આ ટ્રોફી વિશે કહ્યું હતું કે, ‘2014માં મેં 1.200 ગ્રામ વજનની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી હતી અને 2019માં મેં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવીને મારો જ રેકોર્ડ તોડ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘હવે 2023માં મેં 0.900 ગ્રામ વજનની ટ્રોફી બનાવી છે. જો મને આગામી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તક મળશે તો હું આ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને આપીશ.

અમદાવાદમાં યોજાનારી આ હાઈવોલ્ટેજ મેચ માટે ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેચ માટે સમગ્ર અમદાવાદ શહેરમાં તમામ સુરક્ષા એજન્સીઓનો 11 હજારથી વધુનો સ્ટાફ તૈનાત રહેશે. તેમાં કાઉન્ટર ટેરર ફોર્સ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG),રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસનો સમાવેશ થાય છે.
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર રહેશે.

સ્ટેડિયમની ક્ષમતા લગભગ 1.30 લાખ દર્શકોની છે અને તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જશે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન 7 હજારથી વધુ પોલીસકર્મીઓ અને લગભગ 4 હજાર હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે.

તાજેતરમાં અમદાવાદ પોલીસને ઈ-મેલ દ્વારા ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેલ પર ધમકી આપનારે રૂ.500 કરોડ ઉપરાંત જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુક્તિની પણ માંગ કરી હતી. આ કારણોસર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. એનએસજી સહિત અન્ય સુરક્ષા એજન્સીઓની મદદ લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.