વિશ્વ સિંહ દિવસ 2025: એશિયાટિક સિંહો માટે હવે તમારા ટ્રાવેલ લિસ્ટમાં સૌરાષ્ટ્રના આ સ્થળનું નામ પણ જોડી દેજો…
બરડા વન્યજીવ અભયારણ્ય; એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ

બરડા, પોરબંદરઃ ‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ 1979માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે.
દર વર્ષે 10મી ઓગસ્ટે ઉજવાય છે વિશ્વ સિંહ દિવસ
‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે, ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે. ભૌગોલિક પરિસ્થિતિ-આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે.
એશિયાઈ સિંહ ગુજરાત રાજ્યના ઘરેણા સમાન છે
દર વર્ષે તારીખ 10મી ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવવામાં આવે છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન પ્રધાન મુળુભાઈ બેરા અને રાજ્ય પ્રધાન મુકેશ પટેલના માર્ગદર્શનમાં વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ 2001માં સિંહની સંખ્યા 327, વર્ષ 2005માં 359, વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523 અને વર્ષ 2020માં 674 હતી તે હવે વર્ષ 2025માં વધીને 891 થઈ છે.
192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે આ અભયારણ્ય
બરડો અભયારણ્ય લગભગ 192.31 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં પથરાયેલા ડુંગરો, ઋતુગત નદીઓ, ઉચ્ચપ્રદેશ, પાનખર જંગલો, વાંસના ઝાડ તથા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સામેલ છે. કિલગંગા અને ઘોડાદરા જેવી નદીઓ તેમજ આભાપરા અને વેણુ ટેકરીઓ બરડાની ભૌગોલિક ઓળખ બનાવે છે.
બરડો અભયારણ્યનું પર્યાવરણીય મહત્વ શું છે?
અહી 650થી વધુ વનસ્પતિઓની જાતિઓ નોંધાયેલી છે, જેમાં ઔષધીય છોડ, શાકાહારી ઘાસ અને ઇમારતી વૃક્ષોનો સમાવેશ થાય છે. અહીંની જીવસૃષ્ટિમાં ચિતલ, સાંભર, નિલગાય, જંગલી ભૂંડ, શાહુડી, ઝરખ અને દિપડા નિયમિત પણે જોવા મળે છે. સાથે ગીઘ, ગરુડ અને સ્થળાંતર કરનાર જળચર પક્ષીઓ સહિત 260થી વધુ પ્રજાતિઓ પણ અહી જોવા મળેલ છે જે શાકાહારી તથા માંસાહારી પ્રાણીઓ એમ બંને માટે ઉપયોગી નિવાસ સ્થાન બનાવે છે.

કુદરતી વસવાટ અને વ્યવસ્થિત પુનઃપ્રસ્તાવના
વર્ષ 1879 બાદ બરડામાંથી એશિયાટિક સિંહ લુપ્ત થઇ ગયા હતા. Habitat અને Prey Availability (શિકાર પ્રાણીઓની હાજરી) સુધારવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં જટિલ વિજ્ઞાન આધારિત વ્યવસ્થાઓ અમલમાં મૂકાઈ છે. તેના પરિણામે, વર્ષ 2023માં એક પુખ્ત નર સિંહ કુદરતી રીતે બરડામાં પ્રવેશી સ્થાયી થયો.
સ્વનિર્ભર સિંહ સમૂહ વિકસે તે માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળના કાર્યક્રમમાં ગુજરાત વન વિભાગ દ્વારા વિસ્તૃત આરોગ્ય તપાસણીઓ અને વર્તણૂક મૂલ્યાંકન બાદ પાંચ પુખ્ત માદા સિંહને બરડા વિસ્તારમાં સ્થળાંતરીત કરવામાં આવી હતી. આ સુઆયોજિત પ્રજાતિ મજબૂતીકરણ (species reinforcement)ના પગલે કુદરતી રીતે બચ્ચા જન્મ્યા અને એક નાનું પ્રાઇડ વિકસ્યું.
છેલ્લી વર્ષ 2025ની ગણતરી મુજબ બરડામાં કુલ 17 સિંહોની હાજરી નોંધાઈ હતી. આ પ્રમાણને આધારે બરડાને પ્રોજેક્ટ લાયન હેઠળ સેટેલાઈટ પોપ્યુલેશન – 8 તરીકે જાહેર કરવામાં આવ્યું, જે સંપૂર્ણ રીતે રક્ષિત વિસ્તારમાં (Protected Area) વસેલી પહેલે સેટેલાઈટ વસાહત બની.
આ માટે વૈજ્ઞાનિક સંરક્ષણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે?
શિકાર પ્રાણીઓની વધારાની વ્યવસ્થા: ચિતલ અને સાંભરના સંવર્ધન માટે અભયારણ્યમાં સંવર્ધન કેન્દ્રો અને તેમના મુક્તિ માટે વ્યવસ્થિત કામગીરી હાથ ધરાઈ છે. આક્રમક જાતિઓનું નિયંત્રણ: પ્રસોપીસ, લેન્ટેના અને કસિયા ટોરા (ચકુંદા) જેવા ઉપદ્રવી છોડ દૂર કરીને સ્થાનિક ઘાસના મેદાનો પુનઃસ્થાપિત કરવામાં આવે છે.
વાઈલ્ડલાઈફ હેલ્થ મેનેજમેન્ટ: મોબાઇલ વેટનરી યુનિટ, અલગીકરણ તબક્કા, રેસ્ક્યૂ ટિમો અને નિયમિત આરોગ્ય કેમ્પો દ્વારા વન્યજીવોના આરોગ્યની દેખરેખ રાખવામાં આવે છે. પ્રોટેક્શન મેજર્સ (Protection measures) : જીપીએસ ટ્રેકિંગ, કેમેરા ટ્રેપ, ડ્રોન નિરીક્ષણ અને રાત્રિ પેટ્રોલિંગ જેવી તકનિકી વ્યવસ્થાઓ વન્યજીવોની દેખરેખ માટે લાગુ કરવામાં આવી છે.
ઇકો-ટૂરીઝમ અને જાહેર જાગૃતિ
વન વિભાગ દ્વારા શરૂ કરાયેલ બરડા જંગલ સફારી દ્વારા પ્રશિક્ષિત સ્થાનિક માર્ગદર્શકો મુલાકાતીઓને અભયારણ્યનું સંવેદનશીલ અને નિયંત્રિત અન્વેષણ કરાવે છે. મુલાકાતી સુવિધાઓમાં પાર્કિંગ, આરામગૃહ, પીવાનું પાણી અને માહિતી બોર્ડ જેવી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી છે. આ મોડલ સ્થાનિક લોકો માટે રોજગાર ઊભું કરે છે અને સંરક્ષણ પ્રત્યે જાહેર સહભાગિતાને પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો…એક દંતકથાનો અંત! ગીરના સિંહો જય અને વીરુનું મોત, વડાપ્રધાન મોદી પણ ચાહક હતાં…