વર્લ્ડ કપ ક્રેઝ: ઓસ્ટ્રેલિયાની ટીમનું અમદાવાદમાં આગમન, મેચને પગલે ટી-શર્ટના ધંધાર્થીઓને તોતિંગ કમાણી
અમદાવાદ: સેમીફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે જંગમાં ઉતરવા અમદાવાદ પહોંચી ગઇ છે. ભારતીય ટીમના ખેલાડીઓ ગઇકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા, આજે તેમણે નમો સ્ટેડિયમ ખાતે નેટ પ્રેકટિસ પણ કરી હતી.
અમદાવાદના સિંધુભવન રોડ વિસ્તાર પાસે આવેલી તાજ સ્કાયલાઇન હોટલમાં ઓસ્ટ્રેલિયાની ટીમને ઉતારો અપાયો છે. આખા અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઇને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 1.25 લાખ દર્શકોની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે આ મેચ રમાવાની છે. અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર અલર્ટ થઇ ગયું છે. આ મેચ પહેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે JCP નીરજ બડગુજરે આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. શહેરમાં કડક બંદોબસ્ત પણ ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમના પર્ફોર્મન્સને નિહાળવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણનો ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમએ સ્વીકાર પણ કર્યો છે.
એક મીડિયા અહેવાલ મુજબ વર્લ્ડ કપ મેચને પગલે ગુજરાતમાં રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ કરનાર વેપારીઓને ભારે કમાણી થઇ છે. વર્લ્ડકપને કારણે ટીશર્ટોનું મોટા પાયે વેચાણ થતા અંદાજે 50 કરોડના ટર્ન ઓવરના અહેવાલો છે. આમ જોવા જઇએ તો વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી જ ટી-શર્ટના વેચાણમાં ઉછાળો આવ્યો હતો પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ બાદ ટીમ ઇન્ડિયાના સારા પર્ફોર્મન્સને કારણે લગભગ 20 લાખથી વધું ટી-શર્ટ વેચાઇ છે.
ગુજરાત ગારમેન્ટ એસોસિએશનના વેપારીઓનું કહેવું છે કે ગુજરાતની 500 જેટલી ફેક્ટરીઓમાં ટીશર્ટનું પ્રોડક્શન કરવામાં આવ્યું અને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં પણ તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.