World Cup 2023: અમદાવાદમાં એર ફોર્સે કર્યું શાનદાર રિહર્સલ
(અમારા પ્રતિનિધિ તરફથી )
અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાનારી છે ત્યારે આ મેચ પૂર્વે ઈન્ડિયન એરફોર્સની ટીમ દ્વારા શાનદાર એર શો કરવામાં આવશે. વર્લ્ડ કપની મેચનું અત્યારથી કાઉન્ટ ડાઉન શરુ થયું છે ત્યારે એર શો પૂર્વે આજે શાનદાર રિહર્સલ કરતા લોકોના દિલ જીતી લીધા હતા.
અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ખાસ નવ વિમાન દ્વારા આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું. ગુરુવારે ચાર વિમાનથી રિહર્સલ કરવામાં આવ્યું હતું. આમ છતાં આજે પાંચ વધુ વિમાન મળીને કુલ નવ વિમાનનું રિહર્સલ કર્યું હતું. આજે નવ વિમાન દ્વારા અલગ-અલગ કરતબ બતાવવામાં આવ્યાં હતા. આ રિહર્સલ વખતે લોકો વિમાનનો અવાજ આવતાં જ અગાસી પર ચઢીને મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા. સ્ટેડિયમ અને એની આસપાસના વિસ્તારમાં એકસાથે નવ વિમાન જોઈને લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાયું હતુ.
જોકે હજુ શનિવારે પણ એરફોર્સ દ્વારા બપોરના સમયે પ્રેક્ટિસ કરવામાં આવશે. મેચના દિવસે પણ મેચ શરૂ થયા અગાઉ પ્રેક્ષકોના મનોરંજન માટે એર શો યોજાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19મીને રવિવારના રોજ યોજાવાની છે ત્યારે મેચની શરૂઆત પહેલાં એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશી કરતબો બતાવવામાં આવશે, જ્યારે તેના ભાગરૂપે એરફોર્સનાં ફાઈટર જેટ દ્વારા રિહર્સલર્સ કરવામાં આવ્યું હતું.
સ્ટેડિયમમાં બેટસમેન ચોગ્ગા અને છગ્ગા લગાવશે તો આકાશમાં સૂર્યકિરણની ટીમ અદભુત પ્રદર્શન કરી લોકોનાં દિલ ધડકાવશે. લોકોના મનોરંજનની સાથે સાથે ભારતીય એરફોર્સ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. મેચ અગાઉ સ્ટેડિયમમાં એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા ખાસ એર શો યોજાશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
…તો અમદાવાદમાં રોડ-શોનું આયોજન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં જો ભારત વર્લ્ડ કપ જીતી જશે તો રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે રોડ શોની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 19મી નવેમ્બરના ઓસ્ટ્રેલિયાની સામેની મેચમાં વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો વિજય થાય તો અમદાવાદમાં રોડ શો યોજીને ચાહકોનું અભિવાદન ઝીલવામાં આવશે.