World Cancer Day: Cancer ગુજરાતમાં દર વર્ષે આટલા જણનો જીવ લે છે

અમદાવાદઃ આજે વિશ્વ કેન્સર દિવસ છે. નામથી જ ડર લાગે તેવી આ બીમારીએ ગુજરાતમાં પણ આતંક ફેલાવ્યો છે. એક અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં દર વર્ષે કેન્સરના લગભગ 70,000 કરતા વધારે નવા દરદી નોંધાય છે અને 40,000 જેટલા કેન્સરને લીધે જીવ ગુમાવે છે. આનો અર્થ એ થયો કે રોજના લગભગ 100 કરતા વધારે લોકો કેન્સર સામેનો જંગ હારી જાય છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાની વાત કરીએ તો 1.91 લાખ જણે કેન્સરને લીધે જીવ ગુમાવ્યો છે. જોકે કેન્સર વિશ્વવ્યાપી બીમારી છે અને ભારતમાં પણ ખૂબ ફેલાતી બીમારી છે.
ગુજરાતમાં પાન-માસાલા ખાવાનું ચલણ વધારે પ્રમાણમાં છે અને તેથી પુરુષોને મોઢાનું કેન્સર થાય છે. એક અહેવાલ અનુસાર ગુજરાતમાં પુરુષ દરદીમાંથી 21.5 ટકા દરદીને મોઢાંનું, 11.5 ટકાને જીભનું, 8.10 ટકાને ફેફસાનું કેન્સર હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે મહિલાની વાત કરીએ તો લગભગ 30 ટકા જેટલી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર હોવાની માહિતી મળી છે. ગર્ભાશય અને અંડાશયના કેન્સરનું પ્રમાણ અનુક્રમે 9.30 ટકા અને 5.60 ટકા હોય છે. મહિલાઓમાં પણ પાનમસાલા ખાવાની આદત વધતી જાય છે ત્યારે લગભગ પાંચ ટકા મહિલાને મોઢાનું કેન્સર હોવાના આંકડા બહાર આવ્યા છે.
કેન્સર ચોક્કસ ગંભીર બીમારી છે, પરંતુ તેની સામે લડી શકાય છે. આ માટે જો કોઈપણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવી લેવાની જરૂર છે. સમયસર નિદાન થાય અને સારવાર મળી રહે તો કેન્સરથી થતા મોતની સંખ્યા ઘટાડી શકાય છે.