પૂર્ણેશ મોદીની દિલ્હી મુલાકાત : શું હવે પ્રદેશ પ્રમુખના નામ પર લાગશે મહોર કે સંગઠનમાં મળશે સ્થાન ?
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી સી. આર. પાટીલને (C.R.Patil)સાંસદ બન્યા બાદ અને તેમને કેન્દ્રીય મંત્રીપદ પણ આપવામાં આવ્યું છે. જો કે સી. આર. પાટીલ હાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના પદે છે પરંતુ ચૂંટણીના પરિણામો બાદ આ પદ પર કોણ બિરાજશે તે ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ દરમિયાન ગુજરાતના ભાજપના એક નેતાની દિલ્હી મુલાકાતે ભારે ચર્ચાઓ જગાવી છે.
હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે સૌના મોઢે થઈ રહેલી ચર્ચા છે. જો કે આ મામલે રાજનીતિ વિશ્લેષકો પણ પોતાની રીતે ચર્ચાઓ કરી રહ્યા છે. વળી ગુજરાતમાં એક બેઠક હારવાની ભૂલની જવાબદારીનો પોટલો ખુદ સી. આર. પાટીલે ઓઢી લીધો છે. આ બાદ સુરતના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi)આજે દિલ્હી પહોંચીને ભાજપના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા(J.P. Nadda) અને અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતમાં આગામી 5 અને 6 જુલાઇના રોજ બોટાદના સાળંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક યોજાવા જઈ રહી છે. જો કે આ બેઠક પહેલા જ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની દિલ્હીમાં ભાજપના નેતાઓ સાથે બેઠકની તસવીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરોએ અટકળોનું બજાર ગરમ કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના પ્રદેશ પ્રમુખને મંત્રીમંડળમાં સ્થાન : જેમના મતોની લીડ દરેક ચુંટણીમાં વધી છે
જો કે આવનારા સમયમાં પૂર્ણેશ મોદીને પ્રદેશ પ્રમુખનું પદ મળે તેવી શક્યતાઓ છે. દિલ્હીમાં તેમની થયેલી આ મુલાકાત ઘનીસૂચક માનવામાં આવી રહી છે પરંતુ હાલ તો પૂર્ણેશ મોદીએ આ બધી વાતોને અટકળોમાં ખપાવી છે અને આ તેમની શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું છે. જો કે રાહુલ ગાંધી ઉપર કરવામાં આવેલ કેસ બાદ પૂર્ણેશ મોદી હાઇકમાન્ડની ખૂબ જ નજીક હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. સ્થાનિક ધારાસભ્ય કિશોર વાંકાવાલાના અવસાન બાદ 2013માં વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી હતી. જો કે તેમનું મંત્રીપદ ઑગસ્ટ 2022માં છીનવી લેવામાં આવ્યું હતું અને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે જીત્યા હતા પરંતુ સરકારમાં તેમને કોઈ મંત્રીપદ નથી આપવામાં આવ્યું. પૂર્ણેશ મોદીને સૌથી વધુ ઓળખ ‘મોદી અટક’ પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને વિરુદ્ધ ગુનાહિત બદનક્ષી કેસને લઈને છે.