શું ભરૂચ સીટ ભાજપના મનસુબા પર પાણી ફેરવશે? જાણો ચૈતર અને મનસુખ વસાવામાંથી કોનું પલડું ભારે?
દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ પ્રચાર અભિયાન તેજ થયું છે. આ ચૂંટણીમાં ભાજપનું લક્ષ્ય ગુજરાતની તમામ 26 લોકસભા ચૂંટણી 5 લાખથી વધુ મતોથી જીતવાનું છે. જો કે કેટલીક એવી લોકસભા સીટો છે જેમાં ભાજપને આ વખતે જોરદાર ટક્કર મળી શકે તેમ છે, આ સીટોમાં ભરૂચનો સમાવેશ થાય છે. ભરૂચમાં આપ અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવા વચ્ચે સીધો મુકાબલો છે.
ડેડિયાપાડા વિધાનસભા સીટથી નવા નવા ધારાસભ્ય બનેવા ચૈતર વસાવા તેમના કટ્ટર હરિફ અને 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાને ધોબી પછાડ આપશે કે કેમ તેના પર ગુજરાત છ નહીં પણ સમગ્ર દેશની નજર રહેલી છે. ભરૂચની બેઠક 1989થી ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.
1989ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને 1 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા, બાદમાં આ બેઠક પરથી તે સતત ચાર વખત ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાનાને મેદાને ઉતાર્યા હતા, મનસુખ વસાવાએ 1998, 1999, 2004, 2009, 2014, 2019 એમ છ વખત ભરૂચની ચૂંટણી મેદાનમાં બાજી મારી છે.
I.N.D.I.A. ગઠબંધન તરફથી ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું એટલે ભાજપે મજબુરીમાં મનસુખ વસાવાને મેદાને ઉતારવા પડ્યા છે. જો અહીં ત્રિપાંખીયો જંગ હોત તો ભાજપને ચિંતા નહોતી પરંતુ આપ-કૉંગ્રેસે ગઠબંધન કર્યું છે અને ચૈતર વસાવાની ઉમેદવારી છે તેને કારણે ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતદારોનું કોમ્બિનેશન ભાજપ માટે નુકસાન પહોંચાડી શકે. તેથી ભાજપે કોઈ જોખમ ઉઠાવ્યા વગર ફરીથી મનસુખ વસાવાને ટિકિટ આપી છે.
ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં 10 ટકાનો વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં 15,56,504 મતદારો નોંધાયેલાં હતાં અને 2024માં 5મી જાન્યુઆરીની સ્થિતિએ 17,13,731 મતદારો નોંધાયેલાં છે. છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં 1,57,227નો વધારો થયો છે. ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક- એક વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે.
ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ 7 બેઠકોના મતો પર નજર કરવામાં આવે તો આ સાત વિધાનસભાની બેઠકમાં ભાજપને કુલ 6,16,461 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 3,19,131 મત મળ્યા છે, આ ઉપરાંત આમ આદમી પાર્ટીને 154,954 મત મળ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન આ બેઠક પર ચૂંટણી લડે છે તો ભાજપને ટક્કર આપી શકે છે. વર્ષ 2022ની ચૂંટણી મુજબ જોવા જઈએ તો 1,40,000થી વધુ મતનો તફાવત રહે છે. આમ ભાજપનો ખેલ બગાડવા માટે ચૈતર વસાવાએ થોડી વધુ મહેનત કરવાની જરૂર છે.
ભરૂચ લોકસભાની સીટ પર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના મનસુખ વસાવાને 55.47 ટકા મતો મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસના શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા મતો મળ્યા હતા. ભરૂચ લોકસભાની સીટ પર 14 લાખ જેટલા મતદારો છે, જેમાં 7.34 લાખ પુરુષ મતદારો અને 6.82 લાખ મહિલા મતદારો હતાં.
ભરૂચ સીટમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ઉલ્લેખનિય છે કે ભરૂચ જિલ્લામાં 30થી 32 ટકા આદિવાસી મતદારો છે અને 25થી 27 ટકા મુસ્લિમ મતદારો છે. જો આપને મળેલા વોટની ટકાવારીની વાત કરવામાં આવે તો ભરૂચમાં આપને કુલ પડેલા મતોના 8.45 ટકા મતો મળ્યા હતા, જ્યારે કરજણમાં 4.3 ટકા, ડેડિયાપાડામાં 55.87 ટકા, જંબુસરમાં 2.08 ટકા, વાગરામાં નોટા કરતા પણ ઓછા 1.2 ટકા પડ્યા હતા, ઝગડિયામાં 9.99 ટકા અને અંકલેશ્વરમાં 3.33 ટકા મતો પડ્યા હતા.
મનસુખ વસાવા ભરૂચમાં સતત 6 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે, તેથી તેમના પ્રત્ય લોકોમાં ભયાનક અસંતોષ હોય તે સ્વાભાવિક છે. ભરૂચ લોકસભા બેઠકની સ્થાનિક પરિસ્થિતીથી વાકેફ લોકોનું પણ કહેવું છે કે સ્થોનિકોમાં જબરદસ્ત રોષ છે. ભરૂચ સીટી અને ગ્રામીણ વિસ્તારોનો પણ જોઈએ તેવો વિકાસ થયો નથી.
રોડ-રસ્તાથી માડીને આરોગ્ય, શિક્ષણ, ગરીબી,બરોજગારી અને બાળકોનું કુપોષણ અહીંની મુખ્ય સમસ્યા રહી છે. મનસુખ વસાવાએ તેમના આટલા લાંબા કાર્યકાળ દરમિયાન આ દિશામાં કોઈ સંતોષજનક કામ ન કર્યું હોવાનું લોકોનું કહેવું છે. આદિવાસીઓના કલ્યાણ માટેનું યોજનાઓનો પણ જોઈએ તેનો લાભ આદિવાસીઓને મળ્યો નથી.
જો કે રાજકીય નિષ્ણાતોની માનવું છે કે I.N.D.I.A ગઠબંધનને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના પેટમાં તેલ રેડાયું છે. અહેમદ પટેલના અવસાન બાદ તેમના બંને સંતાન મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ ચૂંટણીના મેદાનમાં ઉતરવા તલપાપડ થઈ રહ્યા હતા.
તેમાં પણ ફૈઝલ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી આશંકા છે. જો આવું થાય તો ભરૂચમાં ભાજપને ચોક્કસ ફાયદો થઈ શકે છે. હાલ તો ચૈતર વસાવા તેમના તરફી માહોલ બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે પણ લોકો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે તો આગામી 4 જુને જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જ જાણી શકાશે.