કોણ બનશે ગુજરાત બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ? જગદીશ વિશ્વકર્મા રેસમાં સૌથી આગળ

ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માટે અટકળોનો ધમધમાટ ચાલી રહ્યો છે. નવા પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો અટકળો પ્રમાણે ઓબીસીના ઉમેદવાર પણ મહોર લાગશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. શનિવાર સુધીમાં નવા પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવશે. પ્રદેશ પ્રમુખ આ રેસમાં જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આ સાથે સાથે મયંક નાયક અને દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં આગળ ચાલી રહ્યું છે.
કોણ છે જગદીશ વિશ્વકર્મા

અત્યારે પ્રમુખ માટે રેસમાં જેમનું નામ આગળ છે, તે જગદીશ વિશ્વકર્મા બીજેપીના કદાવર નેતાઓમાંથી એક છે. વર્તમાનમાં જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પોતાની સેવા આપી રહ્યાં છે. નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને તેવો ધારાસભ્ય બન્યાં છે. મંત્રીમંડળમાં તેઓ સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ સાથે નાગરિક ઉડ્ડયન વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યાં છે. ગુજરાત ભાજપમાં તેમનું કદ ખૂબ જ મોટું ગણાય છે. આથી પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ આગળ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં કોણ બીજેપીની કમાન સંભાળશે?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આગામી બે દિવસમાં ચિત્ર વધારે સ્પષ્ટ થશે કે ગુજરાતમાં કોણ બીજેપીની કમાન સંભાળશે. આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે તારીખ 3/10/2025ને શુક્રવારે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે. તે જ દિવેસ 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ફોર્મની ચકાસણીની પ્રક્રિયા કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ 3જી ઓક્ટોબરે જ સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત લેવાની પ્રક્રિયા યોજાશે. ત્યાર બાદ 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પ્રદેશ કાર્યાલય કોબા ખાતે મતદાન પ્રકિયા યોજાશે અને તે જ દિવસે મત ગણતરી કરીને પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કોણે કોણે આ પદ સંભાળ્યું?
આ પહેલાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે કોણે પદ સંભાળ્યું હતું. 1982થી 1985 સુધી એકે પટેલ, 1993થી 1996 સુધી કાશીરામ રાણા, 1996થી 1998 વજુભાઈ વાળા, 1998થી 2005 સુધી રાજેન્દ્રસિંહ રાણા, 29 મે 2005થી 26 ઓક્ટોબર 2006 ફરી વજુભાઈ વાળા, 26 ઓક્ટોબર 2006 થી 1 ફેબ્રુઆરી 2010 સુધી પરષોત્તમ રૂપાલા, 1 ફેબ્રુઆરી 2010 થી 19 ફેબ્રુઆરી 2016 આરસી ફળદુ, 19 ફેબ્રુઆરી 2016 થી 10 ઓગસ્ટ 2016 સુધી વિજય રૂપાણી, 10 ઓગસ્ટ 2016 થી 20 જુલાઈ 2020 સુધી જીતુ વાઘાણી અને 20 જુલાઈ 2020થી અત્યાર સુધી સીઆર પાટીલ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યાં છે.